વિદાય - કાળજાના કટકાની!

 વિદાય - કાળજાના કટકાની!


આટલું વાંચીને જ ઉદાસ થઇ ગયા? 

દીકરીને વળાવતા જાણે આખો પરિવાર દીકરીના સસુરાલ ને કહી રહ્યો હોય:

રહી આજ સુધી અમારી જે સાથે, હવે આજ સોંપી તમારા જ હાથે.

રતન એને સમજી જતન એનું કરજો, હૃદય લાગણી છે અવિનય ન ગણશો.

મજાની વાત તો એ છે કે જેટલું દુઃખ અને દર્દ દીકરીને વળાવતા પરિવારને ૨૦-૨૫ વરસો પહેલા થતું હતું એટલું આજ-કાલ નથી થતું? 

વિચાર્યું ક્યારેય, કેમ એવું? 

દીકરી પ્રત્યેનો પ્રેમ તો ઓછો નથી થયો, હવે પરિવારો નાના થતા ઉલ્ટાનો વધ્યો છે!

  • કારણ એક તો એ છે કે ગુજરાતી સમાજ બદલાયો છે, હા, છેલ્લા ૨૦ - ૨૫ વરસોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. જે રીતે અત્યારે વહુને રાખવામાં આવે છે એ રીતે ત્યારે શક્ય ના હતું. 
  • બીજું એમાં મદદ કરી ટેકનોલોજીએ, સેલ ફોન અને સોસીઅલ મીડિયા એટલા સામાન્ય થઇ ગયા કે દુનિયા એક ઘર જેવડી નાની થઇ ગઈ. દીકરીના ઘરમાં શું ચાલે છે, કેવી રીતે રાખે છે તેની પળે પળે ખબર મળતી રહે.
  • ત્રીજું કારણ એ છે કે અત્યારે કન્યાની સંખ્યા ઓછી છે, જો સારી રીતે ના રાખે તો ઘર તૂટતાં વાર ના લાગે. પરિસ્થિતિ બહુ સારી ના હોઈ તો છોકરાઓનું ગોઠવાતું જ નથી!

આ તો થઇ આજની વાત, મારે  કરવી છે ૧૯૯૦ દાયકા ની વાત. જે આજે થોડી કાલ્પનિક વાર્તા જેવી લાગશે, જેવી રીતે ૧૯૭૦-૧૯૮૦ ના બાળકોને આઝાદી ચળવળની વાતો લગતી!

પરિવારથી જુદા થવાનું દુઃખ  

એ સમયે,દીકરી જેવો ગામનો સીમાડો છોડે એટલે તેનું પોતાનું અસ્તિત્વ ભુલાઈ જતું, પિયરથી સાસરા સુધીનો એ રસ્તો તે નારીના હીબકા અને દર્દનો એકમાત્ર સાક્ષી બની રહેતો. 

એક માત્ર એટલા માટે કે એના દર્દને સમજી શકે એવું કોઈ ભાગ્યે જ એની સાથે હોય. 

બાકી બધા તો ખુશીઓ મનાવવામાં વ્યસ્ત હોય. કોઈ પોતાના ઘરકામને સંભાળવા વાળી મફતની બાઈ મળી રહી એની તો કોઈ પોતાની ફરમાઈશો પુરી કરવા વાળી એક રોબોટ મળી ગઈ એની તો કોઈ એ સાથે શું ભેટ લાવી હશે તેની તો કોઈ પોતાને પણ હુકમ ચલાવવાની તક મળી ગઈ તેની!

બધા પોત-પોતાના સ્વાર્થનું જ વિચારે, એક સ્ત્રી પોતાનું ઘર-પરિવાર મૂકીને આવી છે એને કેવી રીતે સંભાળશું અને અપનાવશું એ કોઈ ના વિચારે.

એ માત્ર એક પરિવારની પુત્રવધુ જ બની રહેતી, પરિવાર એનો થાય કે ના થાય એ તો વરસો પછી ખબર પડે. 

પરિવારની પુત્રવધુ 1990

નવી જવાબદારીઓ

એ વાતને એ નારી સ્વીકારે તે પહેલા જ એનું સ્વાગત (?) નવા ઘરમાં થઇ જાય. પોતાના પરિવારમાં ગમે તેટલા લાડકોડથી ઉછરી હોય, સાસરે પહોંચે એટલે એ વહુ માત્ર રહી જાય. 

બીજા દિવસેથી જ બધાના અસલી રંગ દેખાવા લાગે, પ્રશ્નોની અને ફરમાઇશોને હારમાળા ચાલુ થઇ જાય.

  • શરૂઆત તો પતિદેવથી જ થાય: મારા કપડાં ગોઠવી દેજે અને આજના તૈયાર કરી દે (હાથ નથી કે માએ શીખવાડ્યું નથી ??)  હું નાહી આવું. 

                  અડધો કપ ચા અને એક ભાખરી બનાવી દે, લંચ તો હું બપોરે મંગાવી લઈશ, કાલથી સવારે જ બનાવી દેજે તને મહેનત ઓછી (ખરેખર??).

  • સસરા પણ થોડું ઉમેરે: મને સવારે ૬ વાગે ચા જોશે અને ૮ વાગે ગરમ નાસ્તો (અત્યાર સુધી મળતો હતો ??).
  • સૌથી વધારે તો સાસુમાની ફરમાઈશો જ હોય, પોતે જે અનુભવમાંથી પસાર થયા છે (૨૪-૩૪) વરસો પહેલા, એ બધા પોતાની વહુ ઉપર અજમાવશે. મેં કર્યું એ શેની ના કરે? મોટા ભાગે એક સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન હોય!

                       હું મંદિરે જાવ છું, બધાને ચા-નાસ્તો કરાવી, વાસણ-પાણી અને ઘરની સફાઈ કરી આ પ્રસંગના કપડાં છે એ ધોઈ નાખજે, પાણીની ટાંકી ખાલી થાય એ ડંકીએથી ભરી લેજે, પછી તું તારે આરામ કરજે!.

                     અને હા અગિયાર વાગે પેહલા રસોઈ ચાલુ કરી દેજે અમને બાર વાગે જમવા જોશે, હા ત્યાં સુધીમાં તો હું આવી જઈશ (ખાવા ??, કોણ રાખે વધારે વખત - ભગવાન પણ થાકે).

  • બપોરે જમ્યા પછી વાસણ પતે અને હજુ થોડો આરામ કરવાનું વિચારે ત્યાંજ બાકી રહેલા નાના સભ્યો પણ આવી ચડે: મને આ કાલે પહેરવું છે ઈસ્ત્રી કરી દો, મારી ફ્રેન્ડને ઢોકળા બહુ ભાવે, કાલે ટિફિનમાં ઢોકળા આપજો, મને આ હોમવર્કમાં કઈ ખબર નથી પડતી, અત્યારે નવરા જ છો તો કરી દો.

એમાં પણ બોનસ જો જેઠાણી હોય તો! સાસુમા પછીનું સ્થાન એ લઇ લે, સાસુમા જે કહેતા ભૂલી  ગયા હોય કે જેઠાણીને કરવાનું કીધું હોય એ બધું જેઠાણી હળવેકથી આ નવી વહુ પાસે કરાવી લે (શીખવડાવના બહાનેથી - ખાલી મગજ એ શેતાનનું ઘર થઇ ગયું હોય), એ પણ સાસુ આવે તે પહેલા!

આટલી બધી મુસીબતો વચ્ચે જરા પણ થાક મોં પર દેખાય તો ચાલુ થઇ જાય, ક્યારેય હસતું મોં ના હોય! સ્માઈલ લાવવું ક્યાંથી? ક્યાંય વેચાતું મળે? અંદર ખુશી હોય તો બહાર દેખાય ને!

નવા સંબંધો વચ્ચે એકલતા 

આટલા ભરેલા ઘરમાં પણ નવવધૂ તો એકલી જ રહે, કહેવાના તો બધા તેના હોય - પણ કોઈનો સ્વભાવ કે પસંદ-નાપસંદ ન ખબર હોય. કોની મદદ લેવી કે કોની ઉપર વિશ્વાસ મૂકી કઈ તકલીફ હોય તો વાત કરવી - કશી સમજણ ન પડે.

પતિને પૂછે તો - એ પોતાના પરિવારની તો ઊંચી જ વાત કરે, અથવાતો 'એ બધી મને ખબર ન પડે' - કહીને ટાળી દે.

એક જ જગ્યા રહે વાત કરવાની - તેનું પિયર, જયારે પગફેરા માટે જાય ત્યારે. અરે વળી એમાં પણ આપણા ગીતોએ સાનમાં સમજાવી દીધેલું હોય! 

દીકરી કરો રે સાસરિયા વખાણ, અમીરસ મીઠડાં.

સમજુ દીકરીઓ સમજી જાય, કે અહીં પણ ફક્ત વખાણ જ કરવાના. અને ધીમે ધીમે એ નવા પરિવારને સમજતી થાય અને અનુકૂળ બનાવના એના પ્રયત્નો સફળ થાય.

દીકરીની કારકિર્દી 

સંબંધ ગોઠવાય ત્યારે સસુરાલ વાળા એમ જ કહે છે, તમારી દીકરીને ભણવું હોય તો ભલે ભણે અમારી દીકરી પણ ભણે છે. અને અમે તો મોડર્ન વિચારો વાળા છીએ, એને નોકરી કરવી હોય તો પણ વાંધો નથી. 

ત્યારે દીકરી અને પરિવાર ખુશ-ખુશ થઇ જાય, એ ખુશી નો પરપોટો તો ત્યારે ફૂટે જયારે દીકરીને સમજાય કે ભણવા કે નોકરીનો મતલબ આ બધા ઘરકામ કરીને પછી જવાનો હતો. એ જાતે જ ના પડી દે કે મારે નથી ભણવું.અને સસુરાલનો કીમિયો કામ કરી જાય.

જો ઘરકામ કરવા માટે જ લાવવી હોય તો ડબલ સ્નાતક, ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરી શું કામ લાવે? એ પણ જ્યાં તેના પોતાના પુત્રે ૧૦મુ કે ૧૨મુ પાસ પણ ના કર્યું હોય! ભણેલી વહુ લાવી સમાજમાં ઠાઠ બતાવે, પણ એ સ્વાવલંબી છોકરી આ 'બાઈ' જેવી જિંદગી કેમ જીવે?

ગુજરાતી સમાજમાં જે છોકરાઓ ભાગ્યેજ સ્નાતક સુધી પહોંચતા ત્યારે, એનો ઈગો તો એના જ્ઞાન કરતા કરોડો ગણા મોટા હોય.

ઘણા લોકોની જેમ હું પણ શબ્દ 'કન્યાદાન' ને બહુ પસંદ નથી કરતી, પરંતુ આ રીતે દીકરીને દઈ દેવી એ એક જાતનું દાન જ છે ને!  જે ૨૦-૨૫ વરસો પહેલા સમાજ કરતો હતો.

હવે તો જમાનો ઘણો બદલાય ગયો છે. 

દીકરીને વસ્તુની જેમ દાન ના કરો. સમાજ શું કહેશે એની પરવા કર્યા વગર,અને એને ખાતરી કરાવો કે આ પિયરનું ઘર પણ એનું જ રહેવાનું છે જિંદગી ભર! 

જયારે મન થાય કે જરૂર પડે નિઃસંકોચ આવી શકે છે, કોઈ પણ જાતના આમન્ત્રણ કે પ્રસંગ વગર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય