તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.
મને પણ એ ફિલ્મ બહુ જ ગમી, સૌથી વધારે તો તે ફિલ્મની વાર્તામાંથી મળતી શીખ - ' મોરલ ઓફ ધ સ્ટોરી' ગમી.
લોકો એ વાત તો સમજી ગયા કે કૃષ્ણને દિલથી યાદ કરીએ તો જરૂર મદદ કરે અને એ વિષે બધા સોશ્યલ મીડિયા પર ચર્ચા પણ કરવા લાગ્યા.
મારે આજે વાત કરવી છે મારા દ્રષ્ટિકોણની - મારી દ્રષ્ટિએ એ વાર્તા એનાથી પણ વધારે કહી જાય છે.
શ્રીકૃષ્ણ કે કોઈ ઇષ્ટ દેવ તમે આરાધતા હોય તે - મદદ જરૂર કરે, પરંતુ કર્મ તો આપણે જ કરવા પડે.
👉જ્યાં સુધી આપણા કર્મનો હિસાબ પૂરો ના થાય ત્યાં સુધી કોઈ સ્થિતિ કે કરમપીડા સમાપ્ત નથી થતી.
👉 લાલો એ જગ્યાએ ચોરી કરવા ગયો હતો, એટલે પુરાયો હતો. અને ત્રણ સ્ત્રીઓની સાથે અત્યાચાર કર્યો , જેથી એ ભૂખ્યો તરસ્યો રહ્યો હતો. જ્યાં સુધી એ ખરાબ કર્મોની ભરપાઈ ના કરી ત્યાં સુધી ત્યાંથી નીકળી ન શક્યો.
👉આપણા જીવનનું એ જ સત્ય છે, દરેક માણસનો જન્મ અને મરણ એ કર્મોના ચક્રના હિસાબે જ થાય છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ એ જ કહ્યું છે.
👉આપણી સારી અને ખરાબ સ્થિતિ એ કર્મો ને કારણે જ હોય છે. આપણે જન્મ જ કર્મો નો હિસાબ કરવા લીધો છે - કોઈના ઋણ ચૂકવવા અને કોઈ ની પાસેથી ઋણ લેવા!
👉આત્મા જ્યાં સુધી એ કર્મો સરભર નથી કરી શકતો ત્યાં સુધી આ જન્મ - ચક્ર પૂરું નથી થતું.
ભયમુક્ત રહેવાનો એક જ રસ્તો છે - કષ્ટને કર્મની ચુકવણી અને સુખને સારા કર્મોનું ફળ માનીને સ્વીકાર કરી લેવા.
આ જન્મનું ખાતું જ્યાં સુધી સરભર નહિ થાય ત્યાં સુધી ક્યાંય જવાના નથી અને કર્મોનો હિસાબ પૂરો થયા પછી કોઈ એક મિનિટ પણ નથી રહેવાના.
કહેવાય છે કે પરમાત્માની માતાઓ ને પણ કર્મો ચૂકવવા પડ્યા હતા, તો આપણા જેવા સામાન્ય માણસોને તો ભોગવ્યે જ છૂટકો!.
રામ અવતારમાં:
🙏 માતા કૈકઈએ રામને કોઈ વાંક વગર ચૌદ વરસ વનવાસ આપ્યો, અને પરિવારથી દૂર રાખ્યા.
🙏 કૌશલ્યને પણ વગર વાંકે પુત્રવિયોગ સહન કરવો પડ્યો.
🙏 સુમિત્રા ને પણ પુત્રોને જન્મ આપીને જ એક ને રામની સેવામાં અને બીજા પુત્રને ભરતની સેવામાં સોંપી દીધા.
આ કર્મોના ફળ સ્વરૂપે - કૃષ્ણ અવતારમાં:
🙏 કૈકઈ દેવકી બની, છ પુત્રોનું મૃત્યુ જોયું. સાતમા પુત્રને ગર્ભથી વિસ્થાપિત થતા જોયો અને અષ્ટમ પુત્રનો- કૃષ્ણનો- જન્મથી જ વિયોગ સહન કર્યો. આ રીતે રામે કૈકઈને આપેલું વચન પણ પૂરું કર્યું - તેની કુખે અવતરવાનું!
🙏 કૌશલ્યા રોહિણી બની જેને દેવકીના (જેના કારણે પુત્રવિયોગ સહન કરવો પડ્યો હતો) વિસ્થાપિત પુત્રને ધારણ કરવાનું અને તેની માં બનવાનું સૌભાગ્ય મળ્યું.
🙏 જયારે માતા સુમિત્રા ને યશોદા સ્વરૂપે દેવકીના અને રોહિણીના (જેના પુત્રોની સેવામાં પોતાના પુત્રો ને સમર્પિત કરી દીધા હતા તે બને સ્ત્રીઓના) પુત્રોની પાલક માતા બનવાનું અને ઉછેરવાનું સૌભાગ્ય મળ્યું.
તો આજથી જ સત્કર્મો કરવા લાગો, અરે સત્કર્મો ના કરો તો પણ કઈ નહિ - કુકર્મો કરીને કર્મોનો ઉધાર-પોટલો નહિ બંધાતા.
નહિ તો અસંખ્ય જન્મો લેવા પડશે એ બધા કુકર્મોને ભરપાઈ કરવા માટે.
