'ડ્રાય ગુજરાત' ખરેખર ડ્રાય છે?

 


ગુજરાત ડ્રાય રાજ્ય કેમ છે?

જયારે ગુજરાત એક રાજ્ય ન હતું અને એ મુંબઈ રાજ્યનો ભાગ હતું ત્યારે સંપૂર્ણ મુંબઈ રાજ્ય દારૂ મુક્ત હતું.

૧૯૬૦માં જયારે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે મહારાષ્ટ્ર રાજ્યએ દારૂ પરમીટ આપવાનું ચાલુ કર્યું, અને ગુજરાત રાજ્યએ ગાંધીજીના સિદ્ધાંતોને માન આપીને ગુજરાતને દારુમુક્ત એટલે કે 'ડ્રાય સ્ટેટ' જ રાખ્યું.

એ સમય પ્રમાણે એ કદાચ બરાબર હતું, પરંતુ હવે પરિસ્થિતિ વિપરીત થઇ ગઈ છે.

ગુજરાત ૧૯૬૦થી એક ડ્રાય રાજય છે એનો ગર્વ ઘણા બધા ગુજરાતી લોકો લે છે, ખાસ કરીને સામાજિક આગેવાનો અને નેતાજનો! 

ડ્રાય રાજ્ય - એટલે કે ગુજરાતમાં દારૂ બનાવવા, વેંચવા કે વાપરવાની મનાઈ છે.

શું એ ખરેખર ડ્રાય છે? 

આપણે બધા જાણીએ છીએ કે આ દૂર-દૂર સુધી ક્યાંય શક્ય નથી. 

🥤 ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે અને એ મોટા ભાગના ગુજરાતીઓ જાણે છે - છતાં કઈ નથી કરતા.

🥤 છાશવારે છાપામાં ખબરો આવે છે, અહીં દારૂની ભઠ્ઠી પકડાઈ કે ત્યાં લઠ્ઠાકાંડમાં લોકો મર્યા. 

🥤 અહીં દારૂ ભરેલી ટ્રક પકડાઈ કે પોલીસે આટલા લાખનો દારૂ પકડ્યો.

🥤 કે અહીં અશુદ્ધ દારૂથી ૩૦-૫૦ લોકોને દવાખાને દાખલ કર્યા. 

આવા  સમાચારો દર બીજા વીકે જોવા મળે છે, આ તો થઇ જે છાપે ચડે એની વાત - એવા તો કેટલાય નાના હાદશાઓ થતા રહે છે જે બહાર નથી આવવા દેતા.

આ બધું વિચારતાંતો લાગે છે કે ગુજરાત ડ્રાય નથી, ડાય (કરે) છે, મરી રહ્યું છે - અંદર અને અંદર.

૧૯૬૦ થી આજ સુધી, દારૂબંધીએ ઘણા લોકોને વ્યસનથી બચાવ્યા, એ સમય જુદો હતો. 

તે સમયે લોકો કાયદાનું પાલન કરતા હતા અને એટલા ચાલાક ન હતા કે જે નવી-નવી તરકીબો વાપરી કાયદાનું ઉલ્લંઘન કરે.

દાબેલી સ્પ્રિંગ વધારે છટકે - એ અહીં પણ સાચું હોય તેવું લાગે છે. 

દારૂબંધી છે એટલે જ વધારે પીવે છે. કોઈ રોફ જમાવવા, તો કોઈ સતા બતાવવા તો કોઈ વળી સ્ટેટ્સ માટે.

શું લાગે છે? 

આ બધો દારૂ વહેંચાય છે એ હમેંશા નેતાઓ કે અધિકારીઓની જાણ બહાર થાય છે? 

નહીં! 

એ પકડાયેલા ટ્રકમાંથી એક-એક બોક્સ ઘણી જગ્યાએ ઉતારતા આવ્યા હોય, મોઢું અને આંખ બંધ રાખવા માટે તો કોઈ પ્રમાણિકતાને મારવા માટે.

દારૂબંધીથી નુકસાન વધારે થાય છે ફાયદા કરતા

છુપી રીતે દારૂ મળતો હોવાથી, કોઈ વયમર્યાદા નથી પળાતી - નવયુવાનોને બેરોકટોક મળે છે અને પીવે પણ છે.

બરોબર આવતો અને વહેચાતો હોવાથી સરકારને ટેક્સ નથી મળતો 

ગુનાખોરીથી મળતો હોવાથી ભાવ પણ બહુ વધારે હોય છે

છુપી રીતે બનતો હોવાથી, ગુણવત્તાની ચકાસણી નથી થતી

નાના અડ્ડાઓ પ્રમાણિત ના હોવાથી, અધૂરા જ્ઞાન સાથે - ભળતા પદાર્થો વાપરે છે 

આલ્કોહોલ ધરાવતા ભળતા પ્રવાહીઓનો ઉપયોગ ઘાતક થઇ શકે 

આ બધી દુર્ઘટનાઓ અને ગુનાઓ નિવારવા - ઘટાડવા, દારુબંધીને દૂર કરવાનું કેમ ના વિચારાય?

⌛દારૂને કાયદેસર કરી શકાય

ડબલ ટેક્સ ઉમેરીને વહેચવાની છૂટ કરી શકાય, દારૂના વિતરણ અને વહેંચાણમાં બહુ વધારે ટેક્સ ઉમેરી શકાય 

નાના ઉત્પાદન એકમોને કાયદાનું પાલન કરીને ગુણવતા વાળો દારૂ જ બનાવવા અને વેચવાની છૂટ આપી શકાય 

દારૂ વય મર્યાદાને વધારે સખત રીતે પાલન કરી શકાય 

શક્યતા છે? 

દારૂબંધી હટાવીને ગુજરાતને બચાવવાની?

ચાદર જેવડી સોડ - આર્થિક પરેશાનીનો તોડ

 

ચાદર જેવડી સોડ

ભારતની મોટા ભાગની વસતી મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવે છે. 

જ્યાં એક પણ નવું ખર્ચ આવી જાય તો આખા વરસનું બજેટ હલી જાય. અને એની અસર સૌથી વધારે, જે કમાઈને ઘર ચલાવતા હોય તેના પર થાય. 

એની સાથે સાથે ગૃહિણી પણ જીવન જરૂરી વસ્તુઓમાં કાપ મુકવા માટે મજબૂર થાય. જે ચિંતા અમુક હદથી વધે તો આરોગ્ય પર પણ અસર કરે

ઘર ચલાવનાર વ્યક્તિ ક્યારેક બધાને ખુશ કરવાની કોશિશમાં ગજા ઉપરાંત ખર્ચ કરી દે; તો ક્યારેક બાળકો, વડીલો કે સ્ત્રી પરાણે ખરચ કરાવે.

દેખાદેખી માં જે ખરચ થાય છે તે બે ઘડી કદાચ આંનંદ આપે પરંતુ બાકીનો સમય તો એ ખરચાને કેવી રીતે ભરપાઈ કરશું એની ચિંતા માં જ જાય.

જરૂરિયાત બે પ્રકારની હોય: 

૧. નીડ - જીવન જરૂરી: જેવી કે - ઘરના સભ્યોનો ખોરાક, પાણી, વસ્ત્રો, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને ધંધા - ખેતીમાં જરૂરી વસ્તુઓનો ખર્ચ. 

આ જરૂરિયાતો પાયાની જરૂરિયાતો છે, તેના વગર જીવન ના ચાલે. તેમાં થોડી કસર થઇ શકે, પણ સંપૂર્ણપણે ટાળી ના શકાય. 

૨. વૉન્ટ - શોખ - ઈચ્છાઓ: જેવી કે, ખર્ચાળ પ્રવાસ, બ્રાન્ડેડ વસ્તુઓ, વધારાની વસ્તુઓ, કિંમતી હોટેલોમાં જમણ, મોટી પાર્ટીઓ, વધારે ફી વાળી શાળાઓ, વગેરે.

જયારે પણ બચત કરવાની જરૂર પડે ત્યારે આ ખર્ચને જ ઘટાડવું હિતાવહ છે. આ વધારાના ખર્ચનો કાપ મુકવો સારો, પાયાની જરૂરી વસ્તુઓથી વંચિત રહેવા કરતા.

વધારાના ખર્ચના કારણો: 

દેખાદેખી: મોટા ભાગના વધારાના ખરચ આ કારણે જ થાય છે. 

બાજુવાળાએ તેના બાળકને આ શાળામાં મુક્યો, મારે પણ મુકવો છે.

પાડોશીએ તેની દીકરીના લગ્ન આ હોલમાં કાર્ય, મારે પણ મારી દીકરીના લગ્ન ત્યાં જ કરવા છે.

મારી બેન દુબઇ ફરવા ગઈ, મારે પણ જવું છે.

તમારા ભાઈએ નવો ફ્લેટ લખાવ્યો, મને પણ તેમાં જ ફ્લેટ લેવો છે.

સમાજ: સમાજ શું કહેશે એ ડરથી ન પહોંચાય તો દેવું કરીને પણ વહેવાર કરે. 

આટલું તો દેવું જ જોઈએ, લોકો શું કહેશે?

ઘર પ્રમાણે વહેવાર તો કરવો જ જોઈએ ને?

દીકરી સાસરિયામાં શું બતાવશે?

પરિવાર: આ નિર્ણયો પરિવારના સભ્યો પણ લેવડાવે.

હું બાઈક વગર કોલેજે નહિ જાવ, હવે તમારો જમાનો નથી (કામે લાગી જ ને!).

બેનને મામેરું તો કરવું જ પડે, ૫ તોલા સોનુ તો દેવું જ પડે ને (ભાવ જોયા?).

એટલા ખિસ્સા ખર્ચ થી એક દિવસનું લંચ પણ ન આવે (ઘરેથી લઇ જ).

આ વરસે ક્યાંય ફરવા નથી ગયા, મારે સેલ્ફી મોકલવી હોય ને!

આ ફોનમાં ફોટા સારા નથી આવતા, નવો ફોન લેવો છે.

આ આર્થિક તણાવને કેવી રીતે નિવારી શકાય?

આવક પ્રમાણે ઘરના ખર્ચનું બજેટ બનાવો. 

જીવન જરૂરી વસ્તુઓને પ્રાથમિકતા આપો અને તાત્કાલિક ખર્ચ માટે પણ જુદા ફાળવો. અણધાર્યા ખર્ચ અને ધંધાની જાળવણીમાંથી બચે તો ભવિષ્યના ખર્ચ માટે જમા કરી શકાય.

વાર્ષિક બજેટ:

જેમ દેશનું બજેટ બને છે તેમ ઘરનું પણ બજેટ નક્કી કરો. શાંતિ ભર્યું જીવન અને નિરાંતની નીંદર આ બધી બ્રાન્ડેડ વસ્તુઓ કરતા બહુ કિંમતી છે, એ તમારું આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.

💰કુલ આવકનો ૨૫% ભાગ નીડ - જીવન જરૂરી વસ્તુઓમાં વાપરો. 

આમ ઘરનું ભાડું, બધા બિલ અને ખાવા પીવાની વસ્તુઓ અને સામાન્ય કપડાઓ, ઘરવખરી વગેરે જરૂરી ચીજો આવે.

💰બીજો ૨૫% ભાગ ધંધામાં રોકાણ કે જાળવણી માટે રાખો. 

ખેતી વાળા લોકોને બિયારણ લેવા જરૂર પડે, મજૂરી માટેના બિલ માટે. અથવાતો એક વરસ નો પાક સારો ન થાય તો એક વરસ આમાંથી ઘર ચાલે.

💰૨૦% ભાગ વોન્ટ - શોખ અને વહેવાર માટે રાખો. 

વેકેશનના, વહેવારના અને વધારાની શોખની વસ્તુઓના ખર્ચ આમાંથી નીકળે.

💰છેલ્લો ૩૦% ભાગ અણધર્યા ખર્ચ માટે રાખો. 

આફત ગમે ત્યારે આવે. ખાસ કરીને ઘરમાં વડીલો અને બાળકો હોય એ લોકોએ તો આ બચત રાખવી જ.

આવી નાની મોટી આર્થિક ચિંતાઓ આપણને જીવન જરૂરી વસ્તુઓમાં કાપ મુકવા મજબૂર કરે છે અને માનસિક તણાવ ઉત્ત્પન કરે છે. જે બંને બાજુથી આરોગ્યને નુકસાન કરે છે. 

કહેવાય છે ને કે 'ચિંતા એ ચિતા સમાન છે'. તો આજથી જ, એ ચિંતાના મુદ્દાને જ જળથી કાઢી નાખો. 

તમને આ લેખ કેવો લાગ્યો? કૃપા કરીને નીચે ૫ સ્ટાર રેટ કરો કે કોમેન્ટ કરો.



બાળકો - જાતે જ સોશ્યલ મીડિયા પર!

 

આજકાલ આ સોશ્યલ મેડિયાથી આખી દુનિયા એક નાના ઘર જેવી બની ગઈ છે, જેમ ટેક્નોલોજીના ફાયદાઓ છે તેમ જ તેના નુકસાન પણ છે.

આજે લગભગ એક વરસ પછી, મેં એક સોશ્યલ મીડિયા ઓપન કર્યું. લગભગ ૫૫ જેટલી ફ્રેન્ડ રિક્વેસ્ટ હતી! 

જે લોકોને હું ઓળખતી હતી એ લોકોને તો એડ કરી દીધા, પરંતુ એમાં એક નામ એવું હતું જે  મને જાણીતું ના લાગ્યું. 

એ નામ ગુજરાતી સ્ત્રીનું નામ હતું. આથી મેં એડ કર્યું. મેં વિચાર્યું કે કદાચ હું એને બીજા નામથી ઓળખાતી હોઈશ (ઘણી વખત - સ્ત્રીઓના નામ પણ સાસરું બદલી નાખે છે).

એ નામ એટલું સામાન્ય હતું કે લગભગ બધા ગુજરાતી પરિવારો એ નામની એક વ્યક્તિને તો ઓળખાતા જ હશે.

વાતો અજાણ્યા લોકો સાથે 

અને તરત જ એક મેસેજ આવ્યો, ગુડ મોર્નિંગ નો. મેં એને પૂછ્યું કે ક્યાં આપણે એક બીજાને ઓળખીએ છીએ? એ કહે ખબર નથી, હું એક નાનો છોકરો છું, વાત કરવી છે.

મને લાગ્યું કોઈ મુશ્કેલીમાં ના હોય, લાવ પૂછી જોવ. મેં એને પૂછ્યું - કંઈ તકલીફમાં છો? ઘરે એકલો છો? 

કોઈ મદદ જોઈએ છે, હું તો તારાથી બહુ દૂર છું. પરંતુ મારાથી થશે એટલી મદદ કરીશ કે તને મદદ બોલાવતા શીખવીશ.

તે વ્યક્તિએ જવાબ આપ્યો - કંઈ મદદ નથી જોઈતી, હું ૧૨ વરસનો છું  - વાતો પરથી ૮-10 વરસનો જ લાગ્યો, ૧૨ વરસના છોકરાઓ પાસે કદાચ પોતાના ફોન હોય અને એ બહુ તૈયાર હોય.

વાત-વાત માં એ બહુ તરંગી અને અનુચિત વાતો કરવા લાગ્યો, મેં એને કહ્યું કે હું તારી મમ્મીની ફ્રેન્ડ છું, એને બોલાવ તો વાત કરી લઉં. એ કહે મમ્મી અહીં નથી!

પહેલાતો મને ગુસ્સો આવ્યો અને થયું કે લાવ બ્લોક કરી દઉં. પછી વિચાર્યું કે તો આ બાળક બીજા કોઈની સાથે ચેટ ચાલુ કરશે, એ એના માટે સુરક્ષિત રહેશે? એ બીજા કોઈને આ બધી વાતો કરશે તો, એની સુરક્ષાને અસર નહિ કરે? 

જવાબદારી કોની?

પહેલી જવાબદારી તો  માતા-પિતા અને પરિવારના વડીલોની જ, પણ આજ-કાલના બાળકોને શિષ્ટાચાર શીખવવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે!

વડીલો કંઈ બોલે એ પહેલા જ કહી દે, તમને એ ના સમજાય.

માતા-પિતાની જવાબદારી તો ખરી, પણ આપણી બધાની એટલીજ ફરજ છે કે આપણે આપણા સમાજના આવતી કાલના નાગરિકોને, આપણા ભવિષ્યને સાચો રસ્તો બતાવીએ. માતા-પિતા આવી પરિસ્થિતિથી અજાણ હોય તો આપણે સંભાળી લઈએ.

ખરેખર એ બાળક હતો?

પ્રશ્ન એ છે કે ખરેખર એ બાળક હતો? ચેટ ઉપરથી તો કોઈ અવાજ ના હોય એટલે બોલવાની રીત પણ ના ખબર પડે.

કોઈ નબળા મનનો પુખ્ત વયનો પુરુષ પણ આમ સ્ત્રીની આઈ ડી વાપરી શકે. સ્ત્રી બનીને કોઈ બીજાને છેતરી શકે! એ પણ સમાજ માટે એટલું જ ખતરનાક છે. 

એ બાળકો માટે પણ જોખમ કારક સાબિત થઇ શકે, તમારા પરિવારમાં કોઈને માનસિક તકલીફ હોય તો તેને તમે બાજુમાં હોય ત્યારે જ ફોન આપો.

જેટલું એક બાળકને આવા ગેજેટોથી દૂર રાખવું કે વોચ કરવું જરૂરી છે એટલું જ જરૂરી છે પુખ્તવયના માણસને વોચ કરવું, જો એની માનસિક સ્થિતિ સારી ન હોય. 

શું કરી શકાય?

માતા પિતા બાળકોને પોતાની પ્રવૃત્તિમાં ખલેલ ન પહોંચાડે એટલે ફોન કે ટેબ્લેટ આપી દે છે. આ માનસિકતા સંપૂર્ણપણે કદાચ ન બદલી શકાય, પણ સાવચેતી જરૂર ઉમેરી શકાય, જેવી કે:

     👦 પહેલી વખત ફોન કે ટેબ્લેટ આપો ત્યારે શું ના કરવું એ સમજાવવા કરતા (બાળકોની વૃત્તિ હોય, જે 'ના' કરવાનું કહો એ જરૂર કરે), સારા નાગરિકો ઓનલાઇન કેવી રીતે વર્તે તેનું ઉદાહરણ (તમારા વર્તનને જોવા દ્યો) આપો અને સમજાવો પણ.

     👦 બાળકની ઉમર પ્રમાણેની અને શોખ પ્રમાણે - થોડી રમતો ડાઉનલોડ કરીને રમતા શીખવો 

     👦 બાળક ને તમારી નજર સામે જ ફોન કે ટેબ્લેટ પર સોસીઅલ મીડિયા વાપરવા દેવું

     👦 ફોનમાં બધી સોશ્યલ મીડિયા એપ ને લોગ આઉટ કરી દેવી જો તમે નજર ન રાખી શકો તો

     👦 ફોન પાછો લો ત્યારે, બધી એપમાં હિસ્ટરી ચેક કરવી

     👦 બાળકના વર્તનમાં કંઈ ફેરફાર હોય તો અવગણો નહિ, ભલે તે બાળક ઘણા ટાઈમથી ફોન વાપરતો હોય (દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે)

     👦 બને તેટલો બાળકોને ફોન ઓછો આપો - બીજો જોઈ વિકલ્પ ન હોય તો જ આપો, ખાસ કરીને ૧૨ વરસથી નાના બાળકોને.

આપણે બધા સચેત રહેશું તો જ આપણા સમાજને સુરક્ષિત રાખી શકીશુ.

જો તમને આ લેખ ગમ્યો હોય તો કૃપા કરીને 👇કોમેન્ટ કરો, કે સ્ટાર પર ક્લિક કરીને રેટિંગ આપો, ધન્યવાદ!

ઝાડા - ઉલ્ટીની પ્રાથમિક સારવાર



           પાણીજન્ય રોગ

          હાલમાં ૪૫%થી વધારે રોગો પાણીજન્ય છે જે અશુદ્ધ પાણીથી થાય છે. ઘણાબધા રોગો જેવા કે અપચો, કબજિયાત, ઝાડા, ઉલ્ટી, પથરી, કુપોષણ ઉપરાંત એનિમિયા પણ પાણીજન્ય રોગો સાથે સંકળાયેલા છે.

          અશુદ્ધ પીવાના પાણીની પાચનતંત્ર ઉપર અસર


         અશુદ્ધ પાણીમાં ઘણા વાયરસ, બેક્ટેરિયા, સુક્ષમજીવાણુઓ અને કૃમિ હોય છે જે શરીરમાં દાખલ થાય તો આંતરડામાં જમા થાય છે અને હાનિકારક પરિસ્થિતિનું સર્જન કરે છે. 

          આ પરોપજીવી કૃમિઓના ઉપદ્રવથી આંતરડામાં સોજો આવી જાય છે અને ત્યાં લોહી જવાથી અને તે જીવાણુઓ લોહી વાપરવાથી શરીરમાં રક્તની કમી જણાય છે. 

         આંતરડામાં રહેલા પરોપજીવી સૂક્ષ્મ જીવો ખોરાકમાં રહેલા પોષક તત્વોનું શોષણ અટકાવે છે અને તે પોષક તત્વોને પોતે વાપરે છે, જે આપણા શરીર-મગજની તંદુરસ્તી અને વિકાસ માટે જરૂરી છે. 

          કુપોષણ અને નબળાઈની સાથે સાથે, આ રીતે માણસ ઘણી બધી પાણીજન્ય પરિસ્થિતિઓ અને પાણીજન્ય રોગોનો શિકાર બને છે.

          આ બધામાં ઝાડા - ઉલ્ટી સૌથી વધારે જોવા મળે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. જયારે વરસાદી પાણીથી નદી-નાળા અને ખાબોચિયાઓ ભરાઈ જાય છે તે આ બધા સૂક્ષ્મ જીવોના ઉદ્ભવનું  કારણ અને નિવાસ સ્થાન પૂરું પડે છે.  

          આ સૂક્ષ્મજીવો યુક્ત પાણી જયારે પીવાના પાણીના સંગ્રહ સ્થાન સાથે મળી જાય છે એટલે કે આ પાણી જો પીવાના પાણીના કુવામાં જવતું હોય તો પણ આ બધા સૂક્ષ્મજીવો પીવાના પાણીમાં મળી જાય છે.

         ઝાડા-ઉલટીની સારવારની ઘણી રીતો છે, એમાંથી મેં વાપરેલી ત્રણ રીત જણાવીશ.

         🌿 ઝાડા ઉલટીની પ્રાથમિક સારવાર

       આ વાઇરસ પેહેલા તો પાચનતંત્રમાં રહેલો બધો ખોરાક બહાર કાઢે છે. અને સાથે સાથે પાણી પણ નીકળી જાય છે. 

         💧આથી દર્દીએ પહેલા તો બધા કામ-કાજ મૂકી થોડો આરામ કરવો, પાણી નીકળી જવાથી ચક્કર આવવાની કે પડી જવાનની શક્યતા રહે.

         💧એક વખત પેટ સાફ થઇ ગયા પછી, ૨ થી ૩ કલાક માં ધીમે ધીમે પાણી પીવું. એક ચમચો પાણી પી ને ૨૦ મિનિટ રાહ જોવી, જો એ પેટમાં ટકે તો ફરી એક ચમચો પાણી પીવું. પહેલું કામ છે પાચનતંત્રને શાંત કરવાનું. 

          💧એક વખત પાણી સ્થિર થાય પછી થોડું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યૂશન જેને ઓ. આર. એસ. કહે છે તે લેવું. 

         💧જો તે સોલ્યૂશન ના મળી શકે તો ઘરે પણ આ ઘોલ બનાવી શકાય. એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠું અને અડધી નાની ચમચી ખાંડ ઓગાળી ને.

         💧જ્યાં સુધી પાણી પેટમાં ન રહે ત્યાં સુધી બીજો કોઈ ખોરાક ના લેવો. પહેલી બે કલાક પાણી ને પેટમાં ટકાવવાની કોશિશ કરવી.

         💧પાણી રહે પછી, રોટલીનું કોરું શાક, સૂકી વઘારેલી - બહુ જ ઓછા તેલ માં હળદર અને જરા નિમક સાથે. એકદમ પાપડ જેવી શેકીને થોડી થોડી જેમ પેટમાં ટકે તેમ લઇ શકાય.

         💧જો ફરી ગરબડ જેવું લાગે તો, કલાક પાણી ઉપર રહી પેટને શાંત કરવું. એક વખત સૂકી રોટલી ટકે પછી એક-બે ચમચા ખીચડી -દહીં જીરા સાથે લઇ શકાય. બીજો બધો ખોરાક બીજા દિવસેથી એક પછી એક ચાલુ કરવો. 

         💧૩-૪ દિવસ પાચનશક્તિ પાર જોર પડે એવા ખોરાકથી દૂર રહેવું, જેવા કે દૂધ, કઠોળ, ચણાના લોટની વસ્તુઓ, વગેરે.

બે દિવસમાં આ બધા ઉપાયો કરવા છતાં ન ફરક પડે અથવા તાવ પણ ચાલુ થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.         

        🌿આયુર્વેદિક રીતે સારવાર:

વાયરલ ઇન્ફેક્શનથી થતા પેટના રોગ (સ્ટમક બગ) વિશે વાત કરીએ તો, તેને રોકવા કેટલીક અસરકારક રીતો છે.

1. સ્વચ્છતા જાળવવી

  • ખાવા-પીવાના પહેલા અને પછી હાથ ઘોવાં
  • અશુદ્ધ પાણી અને ગંદા ખોરાકથી દૂર રહેવું
  • ઘર અને રસોઈના સાધનો સ્વચ્છ રાખવા

2. ખોરાક અને પાણીનું ધ્યાન

  • તુલસી અથવા અજમાના પાણી – વાયરસ સામે લડવામાં સહાય કરે
  • સુંઠ અને મધ – પાચન સુધારવા અને પેટને શાંતિ આપવા
  • મીઠા-લીંબૂ પાણી – દેહમાં પાણી-ક્ષતિ અટકાવવા

3. આરામ અને પાચન સંભાળ

  • હળવો અને પાચન-સહજ ખોરાક ખાવું (ખીચડી, કેળું, દહીં)
  • જરુરી આરામ લેવો, તણાવ ઓછો રાખવો
  • શરીરમાં ઊર્જા પુરી કરવા હળવું આહાર

4. આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચાર

  • જીરું અને ગરમ પાણી – પેટ માટે ઉત્તમ
  • વસાનો લાવી (Bael fruit) – ડાયરીયા રોકે
  • તુલસી અને મરી પાઉડર – પ્રાકૃતિક રોગપ્રતિકારક પધ્ધતિ

        🌿આજકાલની રીતે સારવાર:

આજકાલ પેટના વાયરસની સારવારમાં બ્રાટ ડાયેટ પણ વપરાય છે.

         BRAT ડાયટ શું છે?

બ્રાટ ડાયેટ એ અમેરિકાની જૂની અને જાણીતી રીત છે, પેટના વાયરસની સારવાર માટે.

BRAT શબ્દ ચાર ખોરાકના નામથી બનેલ છે:

  • Banana (કેળું) – પાચન માટે સરળ અને પેટ શાંતિ રાખે

  • Rice (ભાત) – હળવાં કાર્બોહાઈડ્રેટ્સ, પાચન માટે ઉત્તમ

  • Apple sauce (સફરજનનો રસ) – વિટામિન્સ સાથે પેટ માટે હળવો

  • Toast (ટોસ્ટ) – વધુ તેલ વગર હલકી આહાર વસ્તુ

પેટની તકલીફ માટે કેમ કામ કરે છે?
આ ખોરાકો હળવા અને સરળતાથી પચી શકે એવા છે, જે ડાયરીયા અને ઉલટી પછી શરીરને ઊર્જા પુરી પાડે છે. તે પેટ પર ઓછું બોજું નાખે છે અને ધીમે ધીમે પાચન વ્યવસ્થા નોર્મલ કરવામાં મદદ કરે છે.

BRAT ડાયટ સાથે અન્ય સહાયકારક પધ્ધતિઓ

  • પૂરતું પાણી અને લીંબૂ પાણી સેવન—ડિહાઇડ્રેશન અટકાવવા

  • હળવા ખોરાક લેવા અને ધીમે ધીમે રેગ્યુલર ડાયટ પર પાછા આવવું

  • તડકા અને મસાલા વાળા ખોરાક ટાળવો

આમ જોઈએ તો આ બધી રીતો એક સરખી છે, બસ હળવા ખોરાકના ઉદાહરણો જુદા જુદા છે. 

જો તમને આ લેખ ગમ્યો હોય તો કૃપા કરીને 👇કોમેન્ટ કરો, કે સ્ટાર પર ક્લિક કરીને રેટિંગ આપો, ધન્યવાદ!

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય