Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના. 

     મને પણ એ ફિલ્મ બહુ જ ગમી, સૌથી વધારે તો તે ફિલ્મની વાર્તામાંથી મળતી શીખ - ' મોરલ ઓફ ધ સ્ટોરી' ગમી.

     લોકો એ વાત તો સમજી ગયા કે કૃષ્ણને દિલથી યાદ કરીએ તો જરૂર મદદ કરે અને એ વિષે બધા સોશ્યલ મીડિયા પર ચર્ચા પણ કરવા લાગ્યા.

     મારે આજે વાત કરવી છે મારા દ્રષ્ટિકોણની - મારી દ્રષ્ટિએ એ વાર્તા એનાથી પણ વધારે કહી જાય છે. 

     શ્રીકૃષ્ણ કે કોઈ ઇષ્ટ દેવ તમે આરાધતા હોય તે - મદદ જરૂર કરે, પરંતુ કર્મ તો આપણે જ કરવા પડે

     👉જ્યાં સુધી આપણા કર્મનો હિસાબ પૂરો ના થાય ત્યાં સુધી કોઈ સ્થિતિ કે કરમપીડા સમાપ્ત નથી થતી.

     👉 લાલો એ જગ્યાએ ચોરી કરવા ગયો હતો, એટલે પુરાયો હતો. અને ત્રણ સ્ત્રીઓની સાથે અત્યાચાર કર્યો , જેથી એ ભૂખ્યો તરસ્યો રહ્યો હતો. જ્યાં સુધી એ ખરાબ કર્મોની ભરપાઈ ના કરી ત્યાં સુધી ત્યાંથી નીકળી ન શક્યો.

     👉આપણા જીવનનું એ જ સત્ય છે, દરેક માણસનો જન્મ અને મરણ એ કર્મોના ચક્રના હિસાબે જ થાય છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ  એ જ કહ્યું છે.

     👉આપણી સારી અને ખરાબ સ્થિતિ એ કર્મો ને કારણે જ હોય છે. આપણે જન્મ જ કર્મો નો હિસાબ કરવા લીધો છે - કોઈના ઋણ ચૂકવવા અને કોઈ ની પાસેથી ઋણ લેવા! 

     👉આત્મા જ્યાં સુધી એ કર્મો સરભર નથી કરી શકતો ત્યાં સુધી આ જન્મ - ચક્ર પૂરું નથી થતું. 

     ભયમુક્ત રહેવાનો એક જ રસ્તો છે - કષ્ટને કર્મની ચુકવણી અને સુખને સારા કર્મોનું ફળ માનીને સ્વીકાર કરી લેવા. 

     આ જન્મનું ખાતું જ્યાં સુધી સરભર નહિ થાય ત્યાં સુધી ક્યાંય જવાના નથી અને કર્મોનો હિસાબ પૂરો થયા પછી કોઈ એક મિનિટ પણ નથી રહેવાના.

     કહેવાય છે કે પરમાત્માની માતાઓ ને પણ કર્મો ચૂકવવા પડ્યા હતા, તો આપણા જેવા સામાન્ય માણસોને તો ભોગવ્યે જ છૂટકો!. 

રામ અવતારમાં:

          🙏  માતા કૈકઈએ રામને કોઈ વાંક વગર ચૌદ વરસ વનવાસ આપ્યો, અને પરિવારથી દૂર રાખ્યા.


          🙏 કૌશલ્યને પણ વગર વાંકે પુત્રવિયોગ સહન કરવો પડ્યો.


          🙏  સુમિત્રા ને પણ પુત્રોને જન્મ આપીને જ એક ને રામની સેવામાં અને બીજા પુત્રને ભરતની સેવામાં સોંપી દીધા.


આ કર્મોના ફળ સ્વરૂપે - કૃષ્ણ અવતારમાં: 

          🙏 કૈકઈ દેવકી બની, છ પુત્રોનું મૃત્યુ જોયું. સાતમા પુત્રને ગર્ભથી વિસ્થાપિત થતા જોયો અને અષ્ટમ પુત્રનો-  કૃષ્ણનો- જન્મથી જ  વિયોગ સહન કર્યો. આ રીતે રામે કૈકઈને આપેલું વચન પણ પૂરું કર્યું - તેની કુખે અવતરવાનું!


          🙏 કૌશલ્યા રોહિણી બની જેને દેવકીના (જેના કારણે પુત્રવિયોગ સહન કરવો પડ્યો હતો) વિસ્થાપિત પુત્રને ધારણ કરવાનું અને તેની માં બનવાનું સૌભાગ્ય મળ્યું.


          🙏 જયારે માતા સુમિત્રા ને  યશોદા સ્વરૂપે દેવકીના અને  રોહિણીના (જેના પુત્રોની સેવામાં પોતાના પુત્રો ને સમર્પિત કરી દીધા હતા તે બને સ્ત્રીઓના) પુત્રોની પાલક માતા બનવાનું અને ઉછેરવાનું સૌભાગ્ય મળ્યું.


     તો આજથી જ સત્કર્મો કરવા લાગો, અરે સત્કર્મો ના કરો તો પણ કઈ નહિ - કુકર્મો કરીને કર્મોનો ઉધાર-પોટલો નહિ બંધાતા. 

     નહિ તો અસંખ્ય જન્મો લેવા પડશે એ બધા કુકર્મોને ભરપાઈ કરવા માટે.



આત્મનિર્ભર પરિવાર અને સ્વાવલંબી સમાજ

 


મેટ્રો સિટીમાં અને ધનિક પરિવારોમાં તો સ્ત્રીઓ પણ સોફા પરથી નીચે પગ માત્ર પાર્ટીમાં અને પાર્લરમાં જવા જ મૂકે છે.

આ તો વાત છે મધ્યમ વર્ગની જ્યાં આખા દિવસની બાઈ ના પરવડે. 

પરિવાર સંભાળવાનો બોજ તો મધ્યમ વર્ગમાં જ ખબર પડે.

એ પણ જયારે પરિવાર સ્વાવલંબી ન હોય; એટલે કે પરિવારના દરેક વ્યક્તિ પોતાનું જીવનજરૂરી કામ કરવા સક્ષમ ન હોય, શારીરિક રીતે કે માનસિક રીતે કે વળી સામાજિક રૂઢિઓને લીધે!

સ્વાવલંબી પરિવાર ત્યારે જ સંભવ છે જો દરેક વ્યક્તિ સ્વાવલંબી બને, માતા-પિતા અને બાળકો પણ! 

🍛 બાળકોને પણ બચપણથી જ પોતાનું કામ જાતે કરવાનું શીખવવું જરૂરી છે. 

🍛 સ્વાવલંબી કે આત્મનિર્ભર સ્ત્રીઓ તો જોવા મળે છે, આત્મનિર્ભર પુરુષો ક્યારેય જોવા મળશે?

🍛 મતલબ કે પુરુષ કમાવાની સાથે-સાથે ઘર અને વડીલોની સંભાળ પણ રાખી શકે, પોતાની રસોઈ અને સફાઈ પણ કરી શકે.  

🍛 જેને થાળી પીરસવાની જરૂર ના પડે, જેના વાસણો ઉપાડીને સિંક સુધી જાતે જ લઇ જાય અને સાફ પણ કરે. જરૂર પડ્યે પોતાના માતા-પિતાની સેવામાં પણ ટેકો આપે.

🍛 કમાઈ શકે તેવી પત્ની જોઈતી હોય તો પહેલા પત્નીને ઘર-કામમાં સાથ આપી શકે તેવી તૈયારી કરી લે. 

વ્યવસાયી સ્ત્રીઓની મુશ્કેલીઓ

🍛 આજકાલ જે સ્ત્રીઓ નોકરી કરે છે તેને ઘરે આવીને બીજી નોકરી ચાલુ થઇ જાય. પુરુષ તો કામેથી આવીને સીધા જમવાની થાળી પર જ દેખાય. એ થાળીમાં ભોજન કેવી રીતે આવ્યું એ નો વિચાર સુદ્ધા ન કરે. 

🍛 જમ્યા પછી પણ સ્ત્રીએ રસોઈ સાફ કરવાથી લઈને વડીલોની તબિયત અને દવા ઉપર નજર રાખવાની, બાળકોનું હોમવર્ક અને અભ્યાસ ચેક કરવાનો, અને આવતી કાલની તૈયારી પણ કરવાની.

🍛 આટલી મહેનત પછી પત્નીને બે વાત કરવા જેટલી પણ તાકાત ના રહે. અહીં જો પતિ ઘરની જવાબદારીઓમાં મદદ કરે તો બંને સાથે સમય પણ વિતાવી શકે અને પત્નીને થાક પણ ઓછો લાગે. 

🍛 સયુંકત કુટુંબોમાં પત્ની એના પતિને કઈ કામ સોંપે તો સાસુ તરત જ કહે, એ કામેથી થાકીને આવ્યો છે (જાણે વહુ તો મશીન છે) જરૂર હોય તો મને કહે ને! 

એનો મતલબ એ સમજવાનો કે છાનીમાની કરી લે, સાસુને તો કામ ચીંધવાની નથી!

શું કરી શકાય?

🍛 આ માટે દરેક પરિવારે પુત્રોને પણ પુત્રીની જેમ જ ઘર-કામમાં સામેલ કરવા જરૂરી છે. 

🍛 જેમ દીકરીઓને ભણતરની સાથે-સાથે ઘર કામ શીખવવામાં આવે છે તેમ જ દીકરાઓને પણ શીખવવાનું ચાલુ કરી દેવું જરૂરી છે. 

🍛 જયારે બહાર ભણવા જાય ત્યારે ડબ્બા ભરીને નાસ્તા મોકલાવ કરતા, સાદું ભોજન જેવું કે - શાક-ભાખરી,બટાકા-પૌઆ, ફ્રાઈડ રાઈસ એવું શીખવી દીધું હોય તો? 

🍛 બહારના ટિફિન - જંક ફૂડ ખાવાની જરૂર ઓછી રહે.

સામાજિક બદલાવ

સમાજને બદલાવો હોય તો શરૂઆત પોતાનાથી કરવી પડે, સમાજ મારા-તમારાથી જ બંને છે.

સમાજમાં મોટા ભાગના લોકો એ જ સમજે છે કે ઘરકામ અને પરિવારને સાંભળવાની જવાબદારી સ્ત્રીની એટલે કે પત્નીની છે, એ વિચારસરણી જ બદલવાની જરૂર છે. 

🍛 પુરુષોએ ઘરકામ કરવું એ નબળાઈ નથી, મહાનતા છે, ઉદારતા છે પોતાના અહં ને બાજુમાં રાખીને મદદ કરવી એ  - દ્રષ્ટિકોણ બદલો!

🍛 સયુંકત પરિવારમાં તો એક જોબ કરતા વધારે કામ નીકળી આવે, જો કે એ વાત જુદી છે કે આજકાલ કોઈ કામ જાતે નથી કરતા - બાઈ નો જમાનો જો આવી ગયો. 

🍛 બાઈ પાસે બધું કામ કરાવવું યોગ્ય નથી, હા એક-બે કામ કરાવી મદદ લઇ શકાય. 

🍛 બને તો રસોઈનું કામ જાતે જ કરવું. કહેવત છે ને 'આહાર એવા વિચાર' - તે જ રીતે રસોઈ બનાવનારના વિચારો રસોઈ માં ઉતરે અને પછી જમે તેના મનમાં.

🍛 ઘરે રહેતી સ્ત્રીઓ પણ નોકરાણી નથી હોતી, પતિ જયારે કામે ન જવાનું હોય ત્યારે તો મદદ કરી શકે. 

🍛 જમીને વાસણ પણ નથી ઉપાડતા એ પુરુષોને ઘરકામમાં સાથ આપવાનું સમજાવવું - એ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું જ છે.

જાતે કામ કરવાના ફાયદાઓ

🍛 બચત: નાના-મોટા કામ જાતે થઇ જતા હોવાથી બાઈની ઓછી જરૂર પડે અને વસ્તુઓની બચત પણ થાય.

🍛 સમય: ઘણા કામ એક સાથે થતા હોવાથી જલ્દી પુરા થઇ જાય, પરિવાર વધારે સમય સાથે વિતાવી શકે.

🍛 આરોગ્ય: વાસણ કે અન્ય સફાઈ તરત થઇ જતી હોવાથી ગંદકી ઓછી રહે અને આરોગ્ય સુધરે.

🍛 પ્રેમ: પરિવાર સાથે મળીને કામ કરતો હોવાથી પરસ્પર સમજણ અને લાગણી વધે - નજીક રહે, એક-બીજાની કેર વધારે કરે. 

🍛 માનસિક શાંતિ: (મારુ ફેવરિટ કારણ) બાઈ ઓછી આવે કે ન આવે તો ઘરની વાતો બહાર ઓછી જાય અને બીજાની પરેશાનીઓ ઘરમાં ન આવે.

સ્ત્રીઓને સ્વાવલંબી કરવા માટે, શિક્ષિત કરવા માટે ઘણા પ્રોગ્રામો અને અભિયાનો આવ્યા, હજુ સુધી એક પણ અભિયાન પુરુષોને ઘરમાં સ્વાવલંબી કરવા માટે નથી જોયા! 

આવે તો કે જો  હો, મારા તરફથી પણ એક રજીસ્ટર કરીશ.😄

સિલ્વર ડિવોર્સ - એટલે કે પાછલી ઉંમરે છૂટાછેડા / લગ્ન-વિચ્છેદ - ગુજરાતમાં



ગુજરાતી સમાજમાં અને આમ જોઈઓ તો સારા ભારતીય સમાજમાં પાછલી ઉંમરે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લોકો 'સિલ્વર ડિવોર્સ' કહે છે. 

ચાલો જાણીએ તેના કારણો - હવે શું બદલાયું છે? 

૪૦-૫૦ પહેલા જે વિચાર પણ કરી શકતા નહીં, તે 'સિલ્વર ડિવોર્સ' - આજે હકીકતમાં થઇ રહ્યા છે.

 👍 પાછલા ૨૫-૫૦ વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું, ભૌતિક બદલાવની સાથે-સાથે લોકોની માનસિકતા પણ બદલાય ગઈ.

 👍 વધુને વધુ લોકો લગ્નજીવન કરતા મનની શાંતિને વધુ મહત્વ આપવા લાગ્યા.

 👍 મને-ક-મને કે રોજ-રોજ ઝઘડા કરીને લગ્નજીવન નિભાવવા કરતા અલગ થઇને શાંતિથી એકલા જીવન વિતાવવું પસંદ કરવા લાગ્યા. 

 👍 સ્ત્રીઓ અને પુરુષો બંને આર્થિક રીતે સધ્ધર થવા લાગ્યા કે નિવૃત જીવનનું પ્લાનિંગ કરવા લાગ્યા - જેથી માત્ર આર્થિક સહારા માટે લગ્નજીવન ટકાવી રાખવું જરૂરી ના રહ્યું.

 👍 સ્ત્રીઓને જે સમાજમાં એકલા રહેવા નો ડર હતો તે ઓછો થઇ ગયો, ખુલ્લા વિચારોવાળા પરિવારોમાં તો પિયરમાં પણ જગ્યા મળવા લાગી.

 👍 છૂટાછેડાની જે સામાજિક છબી હતી તે બદલાવા લાગી, છૂટાછેડા લેનારા લોકોને સામાજિક સંકોચ ઓછો થયો.

 👍 બાળકો પણ છુટાછેડા લીધેલા માં કે પિતાને સાથે રાખવા લાગ્યા, દીકરીઓ પણ પગભર થતા પોતાના માતા કે પિતાને જરૂર પડે સહારો આપી શકે.

 👍 ભણતર અને ટેક્નોલીજીએ લોકોને જ્ઞાન સાથે-સાથે, આત્મ-સમ્માન, શાંતિનું મહત્વ, પસંદ-નાપસંદ, વિચારો, વક્તિત્વ પણ આપ્યું.

દરેક સિક્કાની બે બાજુ હોય: જેમ ફાયદાઓ હોય તેમ નુકસાન પણ હોય.

 👎 જેમ વિકાસ થવાથી આ બધી જાગૃતિ આવી તેમ અધૂરા જ્ઞાન વાળા લોકો એનો દુરુપયોગ પણ કરવા લાગ્યા.

 👎 સ્ત્રીઓ અને પુરુષો બંને લગ્ન ને એક શાકભાજી જેટલું જ મહત્વ આપવા લાગ્યા, એક નાનો અમસ્તો પ્રોબ્લેમ આવ્યો કે અલગ થઇ ગયા, સમજણથી સંબંધો સુધારવાના કે જતું કરવાના પ્રયત્નો બંધ થયા.

 👎 કાયદાઓ સ્ત્રી તરફી હોવાથી, સ્ત્રીઓ નિજી લાભ માટે કે પૈસા પડાવવા માટે પુરુષોને લગ્નજાળમાં ફસાવી - છૂટાછેડા કરવા લાગી.

ક્યાં કારણોથી આ 'સિલ્વર ડિવોર્સ' થાય છે?

 👎 માનસિક તણાવ - મુખ્ય કારણ જીવનમાં વધતા જતા તણાવ જ હોય છે.  વધતી ઉમર સાથે થતા શારીરિક ફેરફારો એ તણાવને સહનશક્તિ અને કાર્યક્ષમતા બંને ઘટાડે છે.

વધતી જતી જવાબદારીઓ એ બધી મુશ્કેલીઓ માં વધારો કરે છે.

👎 અણગમતા જીવનસાથી - જ્યાં સુધી શારીરિક આકર્ષણ હોય ત્યાં સુધીમાં બાળકો થઇ જાય અને પછી બાળકોની જવાબદારી પુરી કરવા સાથે રહે. જેવા બાળકો પરિપક્વ થઇ જાય, માતા-પિતા અલગ થઇ જાય.

 👎 શારીરિક બદલાવ - મધ્ય એજમાં જયારે હોર્મોન બદલાય ત્યારે સ્ત્રીઓ અને પુરુષો બંને ઇમોશનલી નાજુક પરિસ્થિતિમાંથી ગુજરે છે, ખાસ કરીને સ્ત્રીઓ. 

સ્ત્રીઓ જયારે મેનોપોઝની નજીક આવે ત્યારે, ચીડિયાપણું, થાક, વજન વધારો, શારીરિક સંબંધો પ્રત્યે ઘટતી રુચિ વગેરે વધી જાય છે.

મધ્ય એજમાં  થતા આ બદલાવથી જો પતિ અને પત્ની બંને અજાણ હોય તો એક બીજાને સમજી શકતા નથી, મદદ કરવાને બદલે અલગ થવાનું પસંદ કરે છે.

 👎 બાળકો - ક્યારેક તો પતિ- પત્ની એના પોતાના બાળકોના કારણે અલગ થાય છે. બાળકો પોતાના સ્વાર્થ પ્રમાણે માતા-પિતાને ઈમોશનલ બ્લેકમેઇલ કરી - અલગ કરવાનું કારણ બને છે. 

સિલ્વર ડિવોર્સને ઘટાડવાના ઉપાયો:

વધતી ઉંમરે જીવનના તણાવને નિવારી શકાય તો સિલ્વર ડિવોર્સ કઈંક અંશે ઓછા તો કરી જ શકાય.

 👉 પતિ કે પત્ની પાસેથી ૨૦-૨૫ વરસ પહેલા જેટલી અપેક્ષા ના રાખો, જેમ તમે પહેલા જેટલા યંગ નથી રહ્યા તેમ જ તે પણ નથી રહ્યા. 

 👉 પત્ની ૫૦ વરસની ઉમર પહેલા અને પતિ ૬૦ વરસના થાય તે પહેલા, બંનેની મુખ્ય જવાદારીઓ પુરી કરી લેવી કે તેની વ્યવસ્થા કરી લેવી. 

 👉 કામ-કાજનું ભારણ અને વહેવારની દોડધામ પણ ઓછી કરી નાખવી, બને તેટલું સંતાનો ઉપર છોડી દેવું. 

 👉 નિવૃત જીવન માટે પણ બચત અને પ્લાનિંગ કરી લેવા. 

 👉 જીવનસાથીને થોડી સ્પેસ આપો, બદલાતા શરીર સાથે વધારે તણાવ કે ટંક-ટંક હાનિકારક નીવડે. 

 👉 હેલ્થ ઇન્સ્યોરન્સના વિકલ્પો પણ યોગ્ય લાગે તો વિચારી શકાય. 

ભારતીય પ્રથાથી વિપરીત રીત

  🤔 વિકસિત દેશોમાં આ સમસ્યા બહુ નથી જોવા મળતી, ઉલ્ટું ત્યાં તો પાછલી ઉંમરે કંપેનિઅન - સાથી ગોતે. 

  🤔 એ લોકો પહેલા ડેટિંગ કે લિવ ઈન માં ૨૮-૩૦ના તો થઇ જાય, પછી બાળકોને પણ બોયફ્રેન્ડ / ગર્લફ્રેન્ડ સાથે કે સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરે. 

  🤔 સરકારી સહાય મળે અને ધોરણ ૧૨ સુધી ભણતર તદ્દન મફત હોય એટલે - એ બહુ મુશ્કેલ નથી.

  🤔 સંતાનોને ભણાવી લે એટલે માતા-પિતાની ફરજ પુરી, પછી બાળકો જાતે જ જુદા થઇ જાય. 

  🤔 માતા કે પિતા બાળકોની બધી જવાદારીઓ પુરી થયા પછી કંપેનિઅન  ગોતે, નિવૃત જીવન સાથે વિતાવે.




ઉપવાસ - ફાયદાઓ અને ગેરફાયદાઓ!

હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે અને ઉપવાસના દિવસો પણ. 

પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું મહત્વ ચાલ્યું આવે છે. હા, સમય જતા ઉપવાસનો અર્થ જ બદલાય ગયો છે. શરીરના શુદ્ધિકરણ માટે શરુ થયેલા ઉપવાસને શરીર ને બગાડવાનું કારણ બનાવી દીધો.



 ઉપવાસના ફાયદાઓ - આયુર્વેદ પ્રમાણે 

👉 આયુર્વેદ આચાર્યોએ જાણ્યું કે માનવ વિભિન્ન રોગોનો ભોગ બનાવ લાગ્યો, તેને આરોગ્ય શાસ્ત્ર - એટલે કે આયુર્વેદ ની રચના કરી. 

👉 માનવ શરીર ત્રણ દોષો ધરાવે છે: કફ, વાત અને પિત્ત. જે સંતુલનમાં રહીને શરીરને જરૂરી ઉર્જા પુરી પડે છે.

👉 મોટા ભાગના રોગોનું કારણ એ અસંતુલિત દોષો છે તે સમજાયું અને એ દોષોના નિવારણ માટે, ઉપવાસ - એટલે કે આજના સમય પ્રમાણે 'ડેટોક્સ ડાયેટ ડે' ની જરૂરિયાત સમજાઈ. 

👉 એ દોષોને સંતુલિત કરવા, એક દિવસ ફક્ત પાણી અને ફળો કે ફળોના રસ ઉપર જ પસાર કરવો.  

👉 જેથી શરીરને બધી અશુદ્ધિ નિકાલ કરવાનો સમય મળે. આંતરડું સાફ થાય અને ખોરાકમાંના પોશાક તત્વોને શોષાવા સક્ષમ બને. 

👉 પરિણામ સ્વરૂપે અસંતુલિત દોષો સંતુલિત થાય અને પ્રકૃતિ પ્રમાણે કામ કરે.

👉 ઉપવાસનું સાચું મહત્વ - દિવસ ફક્ત પાણી, ફળો અને ફળોના રસ ઉપર કાઢવામાં છે. 

👉 સાથે કોઈ ફરાળી વાનગી જેમાં ઓછું તેલ, ઘી અને ખાંડ હોય  - જેવી કે સાબુદાણાની ખીચડી નહિવત તેલ સાથે - લઇ શકાય.

ઉપવાસના ફાયદાઓ  - તર્ક પ્રમાણે 

👉 વરસો પહેલા (અને હજુ પણ - જે લોકોને  બાઈ રાખવી નથી પરવડતી), રસોઈની જવાબદારી સ્ત્રીઓ ઉપર જ હોય છે. 

👉 રસોઈની તૈયારીથી લઇ ને જમ્યા પછીની સફાઈ - મોટા ભાગનું કામ સ્ત્રીઓની જવાબદારી છે. મોટા ભાગના ઉપવાસના દિવસો એ તહેવારના અને ખાસ પૂજાના દિવસો હોય છે. 

👉 આપણી સંસકૃતી પ્રમાણે, ગ્રહસ્થ લોકો બધી પૂજા સજોડે એટલેકે પત્ની સાથે કરે છે.

👉 આથી ઉપવાસ કરવાથી, ઘરની સ્ત્રીઓનું અડધું કામ ઘટી જાય અને સ્ત્રીઓ પણ પૂજાપાઠમાં ભાગ લઇ શકે.

👉 ધાર્મિક અને આદ્યાત્મિક કાર્ય કર્યાનો સંતોષ તો છે જ, આરોગ્યને થતા ફાયદાઓ અને સ્ત્રીઓને પૂજા-પાઠ માટે મળતા સમય સિવાય.

ક્યાં છે એ હેતુ - આજકાલના 'સોશ્યલ મીડિયા' ઉપવાસ માં ??

👉 ઉપવાસની તૈયારી ઘણા દિવસો પહેલા શરુ થઇ જાય. 

👉 સાથે સાથે: કયા પ્રસિદ્ધ મંદિરે દર્શન કરવા જવા છે અને શું પહેરીને જવું છે, ક્યાં એન્ગલે સેલ્ફી લેવી - એનું પ્લાંનિંગ પણ.

👉 ફરાળી લોટ,  બીજી સામગ્રીની, અને કપડાં-આભૂષણોની ખરીદી પણ ચાલુ થઇ જાય.

👉 ઉપવાસના દિવસે, સવારે ચા સાથે ફરાળી પુરી નાસ્તામાં હોય.

👉 સવારથી જ ગૃહિણી ફરાળી વાનગીઓ બનાવવામાં લાગી જાય. 

👉 બપોરે તો જમણવાર જેવું હોય, પુરી થાળી ભરી હોય ભાત-ભાતની વાનગીઓથી - બધી તેલ - ઘી થી ભરપૂર અને ખાંડથી બનેલી મીઠાઈઓ. 

👉 અને આ બધી ભારે વાનગીઓ સાથે ભારતની ઉનાળાની ગરમી અને ભેજ! 

👉 સાંજ પડે એટલે આજુ-બાજુના મંદિરોમાં ઘસારો ચાલુ થાય, દર્શન થાય તો થાય પણ સેલ્ફી સરસ લેવાય. 

👉 અને આટલું તૈયાર થયા પછી ઘરે જઈને રસોઈ તો ન જ બનાવાય ને ? 

👉 રસ્તામાંથી જ ફરાળી પેટીસ અને આઈસક્રીમ લેતા જવાનું.

આમાં 'ઉપવાસ' તો ક્યાંય ગોત્યો પણ ન જડે!

'સોશ્યલ મીડિયા' ઉપવાસથી થતા નુકસાન

👉 ભૂખ્યા પેટે વધારે તેલ વાળી વાનગીઓ લેવાથી કોલેસ્ટોરેલ વધારે છે. હૃદયની બીમારીઓને આમંત્રણ આપે છે. 

👉 એક દિવસમાં એક ચમચી થી વધારે ઘી લેવું હાનિકારક છે.

👉 ખાંડ આધારિત મીઠાઈઓ એ બધામાં વધારો કરે છે, ખાંડ શરીરમાં રહેલા કોઈ ચેપ કે રોગને વેગ આપે છે. 

👉 ફૅટથી ભરપૂર ખોરાક શરીરને વધારે ફેટ સંગ્રહ કરવા મજબૂર કરે છે. 

👉 વધારાની ઉર્જા વજન વધારામાં પરિણમે છે.

👉 ભૂખ્યા રહેવાથી અને એકી સાથે વધારે જમવાથી - બ્લડ સુગર વધ-ઘટ થાય છે જે ડાયાબીટીશ વાળા લોકો માટે જોખમી છે.

ઉપવાસના ફાયદા કેવી રીતે વધારી શકાય ?

ઉપવાસના દિવસે લેવાતા વધારે પડતા તેલ-ઘી અને ખાંડને ઓછા કરીને એને થોડા-ઘણા આરોગ્યદાયક બનાવી શકાય. ઉપવાસમાં (એક માણસ માટે): 

👉 ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું.

👉 સવારમાં ચા - કોફીથી દિવસની શરૂઆત કરતા હોઈ તો - ખાંડ નું પ્રમાણ ઓછું રાખવું.

👉 સવારના ભોજનમાં ફળો, અને નટનું પ્રમાણ વધારે રાખવું.

👉 બપોરના ભોજનમાં - ફરાળી વાનગીઓમાં તેલનું અને ખાંડનું પ્રમાણ નહિવત, સ્ટાર્ચી વેજિટેબલનું પ્રમાણ એક કપ (બાફેલા) થી ઓછું અને ઘીનું પ્રમાણ ૨ ચમચીથી ઓછું રાખવું. 

👉 ફરાળી લોટને અડધા કપ થી ઓછા લેવા.

👉 જરૂર હોય તો મીઠાસ માટે ખાંડ ને બદલે ૨ ખજૂર વાપરી શકાય.

👉 સાંજે હળવા નાસ્તા જેવું જ લેવું, જેવુંક  દૂધ - નટ અને ખજૂર (૧-૨ જ) સાથે.

તમારો અભિપ્રાય જણાવો.



શું દેવતાઓ પરગામી જીવસૃષ્ટિમાંથી આવ્યા હતા?

 

ભારતમાં ધાર્મિક માન્યતાઓ, દેવતાઓની કથાઓ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તેમના વિશ્લેષણમાં એક સમાનતા જોવા મળે છે. 



ભારતની ધાર્મિક માન્યતાઓ

ભારત વિવિધ ધર્મોનું પવિત્ર ભૂમિગણાય છે. અહીં હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ જેવા ધર્મોનો ઉદ્ભવ થયો છે. 

હિંદુ ધર્મમાં બ્રહ્મા (સૃષ્ટિકર્તા), વિષ્ણુ (પાલક) અને મહેશ (વિનાશક) જેવી ત્રિમૂર્તિ જાણીતી છે. 

આ ઉપરાંત રામ, કૃષ્ણ, હનુમાન, દુર્ગા, લક્ષ્મી વગેરે અનેક દેવતાઓની પૂજા થાય છે. આ માન્યતાઓ માત્ર ધાર્મિક જ નથી, પણ જીવનશૈલી, નૈતિકતા અને સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે.

પુરાણો અને મહાકાવ્યો આ દેવી-દેવતાઓની શક્તિઓ વિષે વિસ્તૃત વર્ણન કરે છે. 

સામાન્ય રીતે એ બધી શક્તિઓને શ્રદ્ધાના વિષય તરીકે જ સમજીએ છીએ, તેથી ક્યારેક એ શ્રદ્ધા જ અંધશ્રદ્ધાનું રૂપ લઇ લે છે - એ આપણે જાણીએ છીએ.

આ દેવી-દેવતાઓ બીજા ગ્રહ પરથી આવેલા મહાશક્તિશાળી જીવો હોઈ શકે - જેની ટેક્નોલોજી એકવીસમી સદી કરતા બહુ આગળ હતી. 

  • આ ઉપરાંત, ભારતીય દેવી-દેવતાઓની કથાઓ વિશ્વમાં બીજા ઘણા દેશોની દેવી-દેવતાઓ સાથે સમાનતા ધરાવે છે. 
  • કદાચ આ બધા દેવી-દેવતાઓ એક કરતા વધારે દેશોમાં મુલાકાત-વસન કરતા, પ્રાદેશિક ભાષા અને સંસ્કૃતિ પ્રમાણે તેમને નામ અને દેખાવ આપવામાં આવ્યા હોઈ. 

બીજા દેશોની લોકકથાઓ ની સરખામણી કરીએ: 

ભારતીય અને ગ્રીક દેવતાઓ વચ્ચેની સમાનતાઓ

હિંદુ અને ગ્રીક પૌરાણિક કથાઓમાં આશ્ચર્યજનક સમાનતાઓ જોવા મળે છે:

  • ઇન્દ્ર અને ઝ્યુસ: બંને દેવતાઓ દેવલોકના રાજા છે અને વીજળીના શસ્ત્ર ધરાવે છે.
  • યમરાજ અને હેડીસ: બંને મૃત્યુ પછીના લોકના શાસક છે.
  • કામદેવ અને ક્યુપિડ: પ્રેમના દેવતા, જે તીરો દ્વારા પ્રેમ જગાવે છે.
  • નારદ અને હર્મીસ: બંને દેવતાઓ દૂત તરીકે કાર્ય કરે છે અને ચતુરતા માટે જાણીતા છે.
  • સપ્તર્ષિ અને પ્લિયાડીસ (સાત બહેનો): આકાશગંગાના તારાઓ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ.

આ સમાનતાઓ દર્શાવે છે કે માનવ કલ્પનાઓમાં દેવત્વ અને શક્તિના સ્વરૂપો વૈશ્વિક સ્તરે મળતા આવે છે.

દેવતાઓની ટાઈમલાઇન – કથાઓ અને તથ્યો

  • ભારતીય કથાઓ અનુસાર, સૃષ્ટિની શરૂઆત સત્યયુગથી થાય છે, ત્યારબાદ ત્રેતાયુગ, દ્વાપરયુગ અને હાલ કલિયુગ ચાલી રહ્યો છે. ભગવાન રામ ત્રેતાયુગમાં અને કૃષ્ણ દ્વાપરયુગમાં અવતર્યા હતા.
  • ગ્રીક કથાઓમાં ઓલિમ્પસ પર્વત પર વસતા દેવતાઓનો ઉલ્લેખ છે, જેમ કે ઝ્યુસ, પોસાઈડન, એથિના વગેરે. ટ્રોયન યુદ્ધ અને હેરાક્લીસના સાહસો જેવી ઘટનાઓ પણ સમયગાળાની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.

📜 દેવતાઓની ટાઈમલાઇન (કથાઓ અને ઐતિહાસિક સંદર્ભો આધારિત)

સમયગાળો

ભારતીય પૌરાણિકતા

ગ્રીક પૌરાણિકતા

અન્ય સંસ્કૃતિઓ

~3000–1500 ઈ.સ.પૂ.

ઋગ્વેદ રચના, વેદિક યુગ

મિનોઅન અને માયસેનીયન સંસ્કૃતિ

સુમેરિયન દેવતાઓ (અન્નુનાકી, એન્કી)

~1500–500 ઈ.સ.પૂ.

રામાયણ અને મહાભારતની મૌખિક પરંપરા

હોમરનાં મહાકાવ્યો (ઇલિયડ, ઓડિસી)

ઇજિપ્તના દેવતાઓ (રા, ઓસિરિસ, આઇસિસ)

~500 ઈ.સ.પૂ.–200 ઈ.સ.

ઉપનિષદો, પુરાણો, ભગવદ ગીતા

ગ્રીક ફિલોસોફી અને પૌરાણિક કથાઓ

ઝરથુષ્ટ્ર ધર્મ (અહુરા મઝદા, અહ્રિમન)

~200–1000 ઈ.સ.

ભક્તિ આંદોલન, પ્રાદેશિક દેવતાઓનો ઉદય

ગ્રીક દેવતાઓનો અવસાન

નોર્સ દેવતાઓ (ઓડિન, થોર, ફ્રેયા)

આ બંને કથાઓમાં સમયને ચક્રરૂપે જોવામાં આવે છે અને દેવતાઓના અવતાર માનવ ઇતિહાસ સાથે જોડાયેલી ઘટનાઓ તરીકે રજૂ થાય છે.

શું દેવતાઓ પરગામી જીવસૃષ્ટિમાંથી આવ્યા હતા?

આ વિચારધારાને આધુનિક સમયમાં “એન્શિયન્ટ એસ્ટ્રોનોટ થિયરી” તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક અનુસંધાનકારો માને છે કે:

  • દેવતાઓના વાહનો (વિમાન, પુષ્પક વિમાન) એ ઉન્નત ટેક્નોલોજીના ઉદાહરણ હોઈ શકે.
  • દેવતાઓના શસ્ત્રો (બ્રહ્માસ્ત્ર, વજ્ર) એ ઊર્જા આધારિત હથિયાર હોઈ શકે.
  • દેવતાઓનું આકાશમાંથી અવતરણ અને અદભૂત શક્તિઓ એ પરગામી જીવસૃષ્ટિની સંભાવના તરફ ઈશારો કરે છે.

જેમ કે સુમેરિયન અન્નુનાકી દેવતાઓ વિશે પણ એવું માનવામાં આવે છે કે તેઓ અન્ય ગ્રહ પરથી પૃથ્વી પર આવ્યા હતા અને માનવજાતિની રચનામાં સહભાગી રહ્યા હતા.

વિવિધ સંસ્કૃતિઓમાં દેવતાઓ વચ્ચેની સમાનતાઓ

1. ઇન્દ્ર (ભારત) અને ઝ્યુસ (ગ્રીસ):
બંને દેવલોકના રાજા છે, વીજળીના શસ્ત્ર ધરાવે છે અને પર્વતો પર વસે છે (મેરુ અને ઓલિમ્પસ).

2. યમરાજ (ભારત) અને હેડીસ (ગ્રીસ):

મૃત્યુ પછીના લોકના શાસક, કર્મના આધારે આત્માને ન્યાય આપે છે.

3. કામદેવ (ભારત) અને ક્યુપિડ (ગ્રીસ):

પ્રેમના દેવતા, તીરો દ્વારા પ્રેમ જગાવે છે.

4. નારદ (ભારત) અને હર્મીસ (ગ્રીસ):

દેવદૂત, ચતુર અને ક્યારેક શરારતભર્યા સંદેશવાહક.

5. સપ્તર્ષિ (ભારત) અને પ્લિયાડીસ (સાત બહેનો) (ગ્રીસ):

આકાશગંગાના તારાઓ સાથે જોડાયેલી આધ્યાત્મિક માન્યતાઓ.

6. કૃષ્ણ (ભારત) અને હેરાક્લીસ (ગ્રીસ):

દિવ્ય-માનવ અવતાર, સાપોનો નાશ કરે છે (કાલીયા અને હાઇડ્રા).

7. સીતા (ભારત) અને પર્સેફોની:

અપહરણ અને પૃથ્વી હેઠળના લોક સાથે જોડાયેલી કથાઓ.

8. રા (ઇજિપ્ત) અને સુર્યદેવ (ભારત):
સૂર્યદેવતાઓ, રથમાં સવાર થઈ આકાશમાં યાત્રા કરે છે.

9. ઓડિન (નોર્સ) અને શિવ (ભારત):

વિરાગી, જ્ઞાનપ્રેમી અને વિનાશ-પુનર્જન્મના દેવતા.

આ સમાનતાઓ દર્શાવે છે કે માનવ કલ્પનાઓ અને આધ્યાત્મિકતા વૈશ્વિક સ્તરે એકબીજાથી જોડાયેલી છે.

અન્ય દેશોની દેવતાઓ વિશે

1. ઇજિપ્તના દેવતાઓ:
રા (સૂર્યદેવ), ઓસિરિસ (મૃત્યુ અને પુનર્જન્મના દેવ) અને આઇસિસ (જાદુ અને માતૃત્વની દેવી) જેવા દેવતાઓ ઇજિપ્તની સંસ્કૃતિમાં કેન્દ્રસ્થાને છે. તેઓના શસ્ત્રો, પિરામિડ જેવી રચનાઓ અને મમ્મીકરણની પદ્ધતિઓ એ સમયની અદભૂત વૈજ્ઞાનિક સમજણ દર્શાવે છે.

2. સુમેરિયન દેવતાઓ:
અન્નુનાકી નામના દેવતાઓ વિશે માનવામાં આવે છે કે તેઓ અન્ય ગ્રહ પરથી પૃથ્વી પર આવ્યા હતા અને માનવજાતિની રચનામાં સહભાગી રહ્યા હતા. કેટલાક અનુસંધાનકારો માને છે કે તેઓએ ખાણકામ, ખેતી અને ગણિત શીખવ્યું.

3. નોર્સ દેવતાઓ:
ઓડિન (જ્ઞાન અને ત્યાગના દેવ), થોર (વીજળી અને યુદ્ધના દેવ) અને ફ્રેયા (પ્રેમ અને યાત્રાની દેવી) જેવી પૌરાણિક પાત્રો સ્કેન્ડિનેવિયન કથાઓમાં જોવા મળે છે. તેઓના હથિયારો અને યાત્રાઓ વૈજ્ઞાનિક રીતે ઉન્નત યંત્રો જેવી લાગણી આપે છે.

વૈજ્ઞાનિક રીતે વધુ વિકસિત હોવાની થિયરીઓ

ઇંગલિશ સિરીઝ 'એન્સીયેન્ટ એલિયન્સ' એ - વિજ્ઞાનિક કારણ ઉપર ધ્યાન દોર્યું. 

પુષ્પક વિમાન કે સુદર્શન ચક્ર જે માત્ર મનના આદેશથી સ્વયંસંચાલિત હતા - એ હકીકત હોઈ શકે.

1. એન્શિયન્ટ એસ્ટ્રોનોટ થિયરી:
આ થિયરી અનુસાર, ઘણા દેવતાઓ ખરેખર અન્ય ગ્રહોના જીવસૃષ્ટિમાંથી આવેલા હતા. તેઓએ પૃથ્વી પર ટેક્નોલોજી, જ્ઞાન અને સંસ્કૃતિનો વિકાસ કર્યો.

2. વિમાન અને ઉન્નત યંત્રો:
ભારતીય પુરાણોમાં પુષ્પક વિમાન, બ્રહ્માસ્ત્ર અને દિવ્ય શસ્ત્રોનો ઉલ્લેખ છે. એ બધું ઊર્જા આધારિત ટેક્નોલોજીનું સંકેત હોઈ શકે છે.

3. પાન્સપર્મિયા થિયરી:
કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જીવન પૃથ્વી પર અવકાશમાંથી આવ્યું હતું. જો એવું છે, તો જીવન લાવનાર જીવસૃષ્ટિ વધુ વિકસિત અને ટેક્નોલોજીકલી અદ્યતન હોઈ શકે.

4. ડીએનએમાં સંકેતો:
કઝાખસ્તાનના વૈજ્ઞાનિકોએ એવી થિયરી રજૂ કરી છે કે માનવ ડીએનએમાં "સિદ્ધાંતપૂર્વક મૂકાયેલું સંદેશ" છુપાયેલું હોઈ શકે છે—જે ET (એલિયન) મૂળ દર્શાવે છે.

5. હોલોગ્રાફિક યુનિવર્સ અને સિમ્યુલેશન થિયરી:
કેટલાક ભૌતિકશાસ્ત્રીઓ માને છે કે આખું બ્રહ્માંડ એક 2D હોલોગ્રામ છે અથવા એક સિમ્યુલેશન. જો એવું છે, તો દેવતાઓ એ "પ્રોગ્રામર્સ" હોઈ શકે છે જેમણે આ બ્રહ્માંડ રચ્યું.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દેવતાઓ – વૈશ્વિક સંસ્કૃતિઓ અને થિયરીઓ

ઇજિપ્તના દેવતાઓ

  • રા (સૂર્યદેવ): રોજ સૂર્યરથમાં આકાશમાં યાત્રા કરે છે.
  • ઓસિરિસ: મૃત્યુ અને પુનર્જન્મના દેવ.
  • આઇસિસ: જાદુ અને માતૃત્વની દેવી.

વિજ્ઞાન સાથે જોડાણ: પિરામિડોની રચના, મમ્મીકરણ અને аસ્ટ્રો-અલાઇનમેન્ટ દર્શાવે છે કે તેઓ પાસે ઊંડું аસ્ટ્રોનોમિકલ જ્ઞાન હતું.

સુમેરિયન અન્નુનાકી

  • માનવામાં આવે છે કે તેઓ અન્ય ગ્રહ પરથી પૃથ્વી પર આવ્યા હતા.
  • માનવજાતિની રચનામાં સહભાગી રહ્યા હોવાની થિયરી છે.

વિજ્ઞાન સાથે જોડાણ: અન્નુનાકી વિશેની થિયરી “ડિરેક્ટેડ પાન્સપર્મિયા” તરફ ઈશારો કરે છે—એટલે કે જીવન પૃથ્વી પર અવકાશમાંથી આવ્યું.

નોર્સ દેવતાઓ

  • ઓડિન: જ્ઞાન અને ત્યાગના દેવ.
  • થોર: વીજળી અને યુદ્ધના દેવ.
  • ફ્રેયા: પ્રેમ અને યાત્રાની દેવી.

વિજ્ઞાન સાથે જોડાણ: થોરનું હથોડું “મ્યોલ્નીર” ઊર્જા આધારિત હથિયાર જેવું વર્ણવાય છે—જે કદાચ પ્લાઝ્મા ટેક્નોલોજી જેવી કોઈ વસ્તુ હોઈ શકે.

વૈજ્ઞાનિક થિયરીઓ – દેવત્વ અને ટેક્નોલોજી

થિયરીનું નામ શું કહે છે
એન્શિયન્ટ એસ્ટ્રોનોટ થિયરી દેવતાઓ એ અન્ય ગ્રહોના જીવસૃષ્ટિમાંથી આવેલા હતા.
પાન્સપર્મિયા થિયરી જીવન પૃથ્વી પર અવકાશમાંથી આવ્યું—કદાચ દેવતાઓ દ્વારા.
સિમ્યુલેશન થિયરી આખું બ્રહ્માંડ એક વર્ચ્યુઅલ રિયાલિટી હોઈ શકે છે—દેવતાઓ એ “પ્રોગ્રામર્સ” હોઈ શકે.
હોલોગ્રાફિક યુનિવર્સ બ્રહ્માંડ 2D હોલોગ્રામ છે જે 3D તરીકે અનુભવાય છે—કોઈ ઊંચી બુદ્ધિએ રચ્યું છે.
જંક ડીએનએ થિયરી માનવ ડીએનએમાં “એલિયન સંદેશ” છુપાયેલો હોઈ શકે છે.

આ રીતે, વિવિધ સંસ્કૃતિઓના દેવતાઓ માત્ર ધાર્મિક પાત્રો નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ઊંડા અર્થ ધરાવે છે.



'ડ્રાય ગુજરાત' ખરેખર ડ્રાય છે?

 


ગુજરાત ડ્રાય રાજ્ય કેમ છે?

જયારે ગુજરાત એક રાજ્ય ન હતું અને એ મુંબઈ રાજ્યનો ભાગ હતું ત્યારે સંપૂર્ણ મુંબઈ રાજ્ય દારૂ મુક્ત હતું.

૧૯૬૦માં જયારે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે મહારાષ્ટ્ર રાજ્યએ દારૂ પરમીટ આપવાનું ચાલુ કર્યું, અને ગુજરાત રાજ્યએ ગાંધીજીના સિદ્ધાંતોને માન આપીને ગુજરાતને દારુમુક્ત એટલે કે 'ડ્રાય સ્ટેટ' જ રાખ્યું.

એ સમય પ્રમાણે એ કદાચ બરાબર હતું, પરંતુ હવે પરિસ્થિતિ વિપરીત થઇ ગઈ છે.

ગુજરાત ૧૯૬૦થી એક ડ્રાય રાજય છે એનો ગર્વ ઘણા બધા ગુજરાતી લોકો લે છે, ખાસ કરીને સામાજિક આગેવાનો અને નેતાજનો! 

ડ્રાય રાજ્ય - એટલે કે ગુજરાતમાં દારૂ બનાવવા, વેંચવા કે વાપરવાની મનાઈ છે.

શું એ ખરેખર ડ્રાય છે? 

આપણે બધા જાણીએ છીએ કે આ દૂર-દૂર સુધી ક્યાંય શક્ય નથી. 

🥤 ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે અને એ મોટા ભાગના ગુજરાતીઓ જાણે છે - છતાં કઈ નથી કરતા.

🥤 છાશવારે છાપામાં ખબરો આવે છે, અહીં દારૂની ભઠ્ઠી પકડાઈ કે ત્યાં લઠ્ઠાકાંડમાં લોકો મર્યા. 

🥤 અહીં દારૂ ભરેલી ટ્રક પકડાઈ કે પોલીસે આટલા લાખનો દારૂ પકડ્યો.

🥤 કે અહીં અશુદ્ધ દારૂથી ૩૦-૫૦ લોકોને દવાખાને દાખલ કર્યા. 

આવા  સમાચારો દર બીજા વીકે જોવા મળે છે, આ તો થઇ જે છાપે ચડે એની વાત - એવા તો કેટલાય નાના હાદશાઓ થતા રહે છે જે બહાર નથી આવવા દેતા.

આ બધું વિચારતાંતો લાગે છે કે ગુજરાત ડ્રાય નથી, ડાય (કરે) છે, મરી રહ્યું છે - અંદર અને અંદર.

૧૯૬૦ થી આજ સુધી, દારૂબંધીએ ઘણા લોકોને વ્યસનથી બચાવ્યા, એ સમય જુદો હતો. 

તે સમયે લોકો કાયદાનું પાલન કરતા હતા અને એટલા ચાલાક ન હતા કે જે નવી-નવી તરકીબો વાપરી કાયદાનું ઉલ્લંઘન કરે.

દાબેલી સ્પ્રિંગ વધારે છટકે - એ અહીં પણ સાચું હોય તેવું લાગે છે. 

દારૂબંધી છે એટલે જ વધારે પીવે છે. કોઈ રોફ જમાવવા, તો કોઈ સતા બતાવવા તો કોઈ વળી સ્ટેટ્સ માટે.

શું લાગે છે? 

આ બધો દારૂ વહેંચાય છે એ હમેંશા નેતાઓ કે અધિકારીઓની જાણ બહાર થાય છે? 

નહીં! 

એ પકડાયેલા ટ્રકમાંથી એક-એક બોક્સ ઘણી જગ્યાએ ઉતારતા આવ્યા હોય, મોઢું અને આંખ બંધ રાખવા માટે તો કોઈ પ્રમાણિકતાને મારવા માટે.

દારૂબંધીથી નુકસાન વધારે થાય છે ફાયદા કરતા

છુપી રીતે દારૂ મળતો હોવાથી, કોઈ વયમર્યાદા નથી પળાતી - નવયુવાનોને બેરોકટોક મળે છે અને પીવે પણ છે.

બરોબર આવતો અને વહેચાતો હોવાથી સરકારને ટેક્સ નથી મળતો 

ગુનાખોરીથી મળતો હોવાથી ભાવ પણ બહુ વધારે હોય છે

છુપી રીતે બનતો હોવાથી, ગુણવત્તાની ચકાસણી નથી થતી

નાના અડ્ડાઓ પ્રમાણિત ના હોવાથી, અધૂરા જ્ઞાન સાથે - ભળતા પદાર્થો વાપરે છે 

આલ્કોહોલ ધરાવતા ભળતા પ્રવાહીઓનો ઉપયોગ ઘાતક થઇ શકે 

આ બધી દુર્ઘટનાઓ અને ગુનાઓ નિવારવા - ઘટાડવા, દારુબંધીને દૂર કરવાનું કેમ ના વિચારાય?

⌛દારૂને કાયદેસર કરી શકાય

ડબલ ટેક્સ ઉમેરીને વહેચવાની છૂટ કરી શકાય, દારૂના વિતરણ અને વહેંચાણમાં બહુ વધારે ટેક્સ ઉમેરી શકાય 

નાના ઉત્પાદન એકમોને કાયદાનું પાલન કરીને ગુણવતા વાળો દારૂ જ બનાવવા અને વેચવાની છૂટ આપી શકાય 

દારૂ વય મર્યાદાને વધારે સખત રીતે પાલન કરી શકાય 

શક્યતા છે? 

દારૂબંધી હટાવીને ગુજરાતને બચાવવાની?

ચાદર જેવડી સોડ - આર્થિક પરેશાનીનો તોડ

 

ચાદર જેવડી સોડ

ભારતની મોટા ભાગની વસતી મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવે છે. 

જ્યાં એક પણ નવું ખર્ચ આવી જાય તો આખા વરસનું બજેટ હલી જાય. અને એની અસર સૌથી વધારે, જે કમાઈને ઘર ચલાવતા હોય તેના પર થાય. 

એની સાથે સાથે ગૃહિણી પણ જીવન જરૂરી વસ્તુઓમાં કાપ મુકવા માટે મજબૂર થાય. જે ચિંતા અમુક હદથી વધે તો આરોગ્ય પર પણ અસર કરે

ઘર ચલાવનાર વ્યક્તિ ક્યારેક બધાને ખુશ કરવાની કોશિશમાં ગજા ઉપરાંત ખર્ચ કરી દે; તો ક્યારેક બાળકો, વડીલો કે સ્ત્રી પરાણે ખરચ કરાવે.

દેખાદેખી માં જે ખરચ થાય છે તે બે ઘડી કદાચ આંનંદ આપે પરંતુ બાકીનો સમય તો એ ખરચાને કેવી રીતે ભરપાઈ કરશું એની ચિંતા માં જ જાય.

જરૂરિયાત બે પ્રકારની હોય: 

૧. નીડ - જીવન જરૂરી: જેવી કે - ઘરના સભ્યોનો ખોરાક, પાણી, વસ્ત્રો, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને ધંધા - ખેતીમાં જરૂરી વસ્તુઓનો ખર્ચ. 

આ જરૂરિયાતો પાયાની જરૂરિયાતો છે, તેના વગર જીવન ના ચાલે. તેમાં થોડી કસર થઇ શકે, પણ સંપૂર્ણપણે ટાળી ના શકાય. 

૨. વૉન્ટ - શોખ - ઈચ્છાઓ: જેવી કે, ખર્ચાળ પ્રવાસ, બ્રાન્ડેડ વસ્તુઓ, વધારાની વસ્તુઓ, કિંમતી હોટેલોમાં જમણ, મોટી પાર્ટીઓ, વધારે ફી વાળી શાળાઓ, વગેરે.

જયારે પણ બચત કરવાની જરૂર પડે ત્યારે આ ખર્ચને જ ઘટાડવું હિતાવહ છે. આ વધારાના ખર્ચનો કાપ મુકવો સારો, પાયાની જરૂરી વસ્તુઓથી વંચિત રહેવા કરતા.

વધારાના ખર્ચના કારણો: 

દેખાદેખી: મોટા ભાગના વધારાના ખરચ આ કારણે જ થાય છે. 

બાજુવાળાએ તેના બાળકને આ શાળામાં મુક્યો, મારે પણ મુકવો છે.

પાડોશીએ તેની દીકરીના લગ્ન આ હોલમાં કાર્ય, મારે પણ મારી દીકરીના લગ્ન ત્યાં જ કરવા છે.

મારી બેન દુબઇ ફરવા ગઈ, મારે પણ જવું છે.

તમારા ભાઈએ નવો ફ્લેટ લખાવ્યો, મને પણ તેમાં જ ફ્લેટ લેવો છે.

સમાજ: સમાજ શું કહેશે એ ડરથી ન પહોંચાય તો દેવું કરીને પણ વહેવાર કરે. 

આટલું તો દેવું જ જોઈએ, લોકો શું કહેશે?

ઘર પ્રમાણે વહેવાર તો કરવો જ જોઈએ ને?

દીકરી સાસરિયામાં શું બતાવશે?

પરિવાર: આ નિર્ણયો પરિવારના સભ્યો પણ લેવડાવે.

હું બાઈક વગર કોલેજે નહિ જાવ, હવે તમારો જમાનો નથી (કામે લાગી જ ને!).

બેનને મામેરું તો કરવું જ પડે, ૫ તોલા સોનુ તો દેવું જ પડે ને (ભાવ જોયા?).

એટલા ખિસ્સા ખર્ચ થી એક દિવસનું લંચ પણ ન આવે (ઘરેથી લઇ જ).

આ વરસે ક્યાંય ફરવા નથી ગયા, મારે સેલ્ફી મોકલવી હોય ને!

આ ફોનમાં ફોટા સારા નથી આવતા, નવો ફોન લેવો છે.

આ આર્થિક તણાવને કેવી રીતે નિવારી શકાય?

આવક પ્રમાણે ઘરના ખર્ચનું બજેટ બનાવો. 

જીવન જરૂરી વસ્તુઓને પ્રાથમિકતા આપો અને તાત્કાલિક ખર્ચ માટે પણ જુદા ફાળવો. અણધાર્યા ખર્ચ અને ધંધાની જાળવણીમાંથી બચે તો ભવિષ્યના ખર્ચ માટે જમા કરી શકાય.

વાર્ષિક બજેટ:

જેમ દેશનું બજેટ બને છે તેમ ઘરનું પણ બજેટ નક્કી કરો. શાંતિ ભર્યું જીવન અને નિરાંતની નીંદર આ બધી બ્રાન્ડેડ વસ્તુઓ કરતા બહુ કિંમતી છે, એ તમારું આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.

💰કુલ આવકનો ૨૫% ભાગ નીડ - જીવન જરૂરી વસ્તુઓમાં વાપરો. 

આમ ઘરનું ભાડું, બધા બિલ અને ખાવા પીવાની વસ્તુઓ અને સામાન્ય કપડાઓ, ઘરવખરી વગેરે જરૂરી ચીજો આવે.

💰બીજો ૨૫% ભાગ ધંધામાં રોકાણ કે જાળવણી માટે રાખો. 

ખેતી વાળા લોકોને બિયારણ લેવા જરૂર પડે, મજૂરી માટેના બિલ માટે. અથવાતો એક વરસ નો પાક સારો ન થાય તો એક વરસ આમાંથી ઘર ચાલે.

💰૨૦% ભાગ વોન્ટ - શોખ અને વહેવાર માટે રાખો. 

વેકેશનના, વહેવારના અને વધારાની શોખની વસ્તુઓના ખર્ચ આમાંથી નીકળે.

💰છેલ્લો ૩૦% ભાગ અણધર્યા ખર્ચ માટે રાખો. 

આફત ગમે ત્યારે આવે. ખાસ કરીને ઘરમાં વડીલો અને બાળકો હોય એ લોકોએ તો આ બચત રાખવી જ.

આવી નાની મોટી આર્થિક ચિંતાઓ આપણને જીવન જરૂરી વસ્તુઓમાં કાપ મુકવા મજબૂર કરે છે અને માનસિક તણાવ ઉત્ત્પન કરે છે. જે બંને બાજુથી આરોગ્યને નુકસાન કરે છે. 

કહેવાય છે ને કે 'ચિંતા એ ચિતા સમાન છે'. તો આજથી જ, એ ચિંતાના મુદ્દાને જ જળથી કાઢી નાખો. 

તમને આ લેખ કેવો લાગ્યો? કૃપા કરીને નીચે ૫ સ્ટાર રેટ કરો કે કોમેન્ટ કરો.



બાળકો - જાતે જ સોશ્યલ મીડિયા પર!

 

આજકાલ આ સોશ્યલ મેડિયાથી આખી દુનિયા એક નાના ઘર જેવી બની ગઈ છે, જેમ ટેક્નોલોજીના ફાયદાઓ છે તેમ જ તેના નુકસાન પણ છે.

આજે લગભગ એક વરસ પછી, મેં એક સોશ્યલ મીડિયા ઓપન કર્યું. લગભગ ૫૫ જેટલી ફ્રેન્ડ રિક્વેસ્ટ હતી! 

જે લોકોને હું ઓળખતી હતી એ લોકોને તો એડ કરી દીધા, પરંતુ એમાં એક નામ એવું હતું જે  મને જાણીતું ના લાગ્યું. 

એ નામ ગુજરાતી સ્ત્રીનું નામ હતું. આથી મેં એડ કર્યું. મેં વિચાર્યું કે કદાચ હું એને બીજા નામથી ઓળખાતી હોઈશ (ઘણી વખત - સ્ત્રીઓના નામ પણ સાસરું બદલી નાખે છે).

એ નામ એટલું સામાન્ય હતું કે લગભગ બધા ગુજરાતી પરિવારો એ નામની એક વ્યક્તિને તો ઓળખાતા જ હશે.

વાતો અજાણ્યા લોકો સાથે 

અને તરત જ એક મેસેજ આવ્યો, ગુડ મોર્નિંગ નો. મેં એને પૂછ્યું કે ક્યાં આપણે એક બીજાને ઓળખીએ છીએ? એ કહે ખબર નથી, હું એક નાનો છોકરો છું, વાત કરવી છે.

મને લાગ્યું કોઈ મુશ્કેલીમાં ના હોય, લાવ પૂછી જોવ. મેં એને પૂછ્યું - કંઈ તકલીફમાં છો? ઘરે એકલો છો? 

કોઈ મદદ જોઈએ છે, હું તો તારાથી બહુ દૂર છું. પરંતુ મારાથી થશે એટલી મદદ કરીશ કે તને મદદ બોલાવતા શીખવીશ.

તે વ્યક્તિએ જવાબ આપ્યો - કંઈ મદદ નથી જોઈતી, હું ૧૨ વરસનો છું  - વાતો પરથી ૮-10 વરસનો જ લાગ્યો, ૧૨ વરસના છોકરાઓ પાસે કદાચ પોતાના ફોન હોય અને એ બહુ તૈયાર હોય.

વાત-વાત માં એ બહુ તરંગી અને અનુચિત વાતો કરવા લાગ્યો, મેં એને કહ્યું કે હું તારી મમ્મીની ફ્રેન્ડ છું, એને બોલાવ તો વાત કરી લઉં. એ કહે મમ્મી અહીં નથી!

પહેલાતો મને ગુસ્સો આવ્યો અને થયું કે લાવ બ્લોક કરી દઉં. પછી વિચાર્યું કે તો આ બાળક બીજા કોઈની સાથે ચેટ ચાલુ કરશે, એ એના માટે સુરક્ષિત રહેશે? એ બીજા કોઈને આ બધી વાતો કરશે તો, એની સુરક્ષાને અસર નહિ કરે? 

જવાબદારી કોની?

પહેલી જવાબદારી તો  માતા-પિતા અને પરિવારના વડીલોની જ, પણ આજ-કાલના બાળકોને શિષ્ટાચાર શીખવવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે!

વડીલો કંઈ બોલે એ પહેલા જ કહી દે, તમને એ ના સમજાય.

માતા-પિતાની જવાબદારી તો ખરી, પણ આપણી બધાની એટલીજ ફરજ છે કે આપણે આપણા સમાજના આવતી કાલના નાગરિકોને, આપણા ભવિષ્યને સાચો રસ્તો બતાવીએ. માતા-પિતા આવી પરિસ્થિતિથી અજાણ હોય તો આપણે સંભાળી લઈએ.

ખરેખર એ બાળક હતો?

પ્રશ્ન એ છે કે ખરેખર એ બાળક હતો? ચેટ ઉપરથી તો કોઈ અવાજ ના હોય એટલે બોલવાની રીત પણ ના ખબર પડે.

કોઈ નબળા મનનો પુખ્ત વયનો પુરુષ પણ આમ સ્ત્રીની આઈ ડી વાપરી શકે. સ્ત્રી બનીને કોઈ બીજાને છેતરી શકે! એ પણ સમાજ માટે એટલું જ ખતરનાક છે. 

એ બાળકો માટે પણ જોખમ કારક સાબિત થઇ શકે, તમારા પરિવારમાં કોઈને માનસિક તકલીફ હોય તો તેને તમે બાજુમાં હોય ત્યારે જ ફોન આપો.

જેટલું એક બાળકને આવા ગેજેટોથી દૂર રાખવું કે વોચ કરવું જરૂરી છે એટલું જ જરૂરી છે પુખ્તવયના માણસને વોચ કરવું, જો એની માનસિક સ્થિતિ સારી ન હોય. 

શું કરી શકાય?

માતા પિતા બાળકોને પોતાની પ્રવૃત્તિમાં ખલેલ ન પહોંચાડે એટલે ફોન કે ટેબ્લેટ આપી દે છે. આ માનસિકતા સંપૂર્ણપણે કદાચ ન બદલી શકાય, પણ સાવચેતી જરૂર ઉમેરી શકાય, જેવી કે:

     👦 પહેલી વખત ફોન કે ટેબ્લેટ આપો ત્યારે શું ના કરવું એ સમજાવવા કરતા (બાળકોની વૃત્તિ હોય, જે 'ના' કરવાનું કહો એ જરૂર કરે), સારા નાગરિકો ઓનલાઇન કેવી રીતે વર્તે તેનું ઉદાહરણ (તમારા વર્તનને જોવા દ્યો) આપો અને સમજાવો પણ.

     👦 બાળકની ઉમર પ્રમાણેની અને શોખ પ્રમાણે - થોડી રમતો ડાઉનલોડ કરીને રમતા શીખવો 

     👦 બાળક ને તમારી નજર સામે જ ફોન કે ટેબ્લેટ પર સોસીઅલ મીડિયા વાપરવા દેવું

     👦 ફોનમાં બધી સોશ્યલ મીડિયા એપ ને લોગ આઉટ કરી દેવી જો તમે નજર ન રાખી શકો તો

     👦 ફોન પાછો લો ત્યારે, બધી એપમાં હિસ્ટરી ચેક કરવી

     👦 બાળકના વર્તનમાં કંઈ ફેરફાર હોય તો અવગણો નહિ, ભલે તે બાળક ઘણા ટાઈમથી ફોન વાપરતો હોય (દુર્ઘટના ગમે ત્યારે થઇ શકે)

     👦 બને તેટલો બાળકોને ફોન ઓછો આપો - બીજો જોઈ વિકલ્પ ન હોય તો જ આપો, ખાસ કરીને ૧૨ વરસથી નાના બાળકોને.

આપણે બધા સચેત રહેશું તો જ આપણા સમાજને સુરક્ષિત રાખી શકીશુ.

જો તમને આ લેખ ગમ્યો હોય તો કૃપા કરીને 👇કોમેન્ટ કરો, કે સ્ટાર પર ક્લિક કરીને રેટિંગ આપો, ધન્યવાદ!

ઝાડા - ઉલ્ટીની પ્રાથમિક સારવાર



           પાણીજન્ય રોગ

          હાલમાં ૪૫%થી વધારે રોગો પાણીજન્ય છે જે અશુદ્ધ પાણીથી થાય છે. ઘણાબધા રોગો જેવા કે અપચો, કબજિયાત, ઝાડા, ઉલ્ટી, પથરી, કુપોષણ ઉપરાંત એનિમિયા પણ પાણીજન્ય રોગો સાથે સંકળાયેલા છે.

          અશુદ્ધ પીવાના પાણીની પાચનતંત્ર ઉપર અસર


         અશુદ્ધ પાણીમાં ઘણા વાયરસ, બેક્ટેરિયા, સુક્ષમજીવાણુઓ અને કૃમિ હોય છે જે શરીરમાં દાખલ થાય તો આંતરડામાં જમા થાય છે અને હાનિકારક પરિસ્થિતિનું સર્જન કરે છે. 

          આ પરોપજીવી કૃમિઓના ઉપદ્રવથી આંતરડામાં સોજો આવી જાય છે અને ત્યાં લોહી જવાથી અને તે જીવાણુઓ લોહી વાપરવાથી શરીરમાં રક્તની કમી જણાય છે. 

         આંતરડામાં રહેલા પરોપજીવી સૂક્ષ્મ જીવો ખોરાકમાં રહેલા પોષક તત્વોનું શોષણ અટકાવે છે અને તે પોષક તત્વોને પોતે વાપરે છે, જે આપણા શરીર-મગજની તંદુરસ્તી અને વિકાસ માટે જરૂરી છે. 

          કુપોષણ અને નબળાઈની સાથે સાથે, આ રીતે માણસ ઘણી બધી પાણીજન્ય પરિસ્થિતિઓ અને પાણીજન્ય રોગોનો શિકાર બને છે.

          આ બધામાં ઝાડા - ઉલ્ટી સૌથી વધારે જોવા મળે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. જયારે વરસાદી પાણીથી નદી-નાળા અને ખાબોચિયાઓ ભરાઈ જાય છે તે આ બધા સૂક્ષ્મ જીવોના ઉદ્ભવનું  કારણ અને નિવાસ સ્થાન પૂરું પડે છે.  

          આ સૂક્ષ્મજીવો યુક્ત પાણી જયારે પીવાના પાણીના સંગ્રહ સ્થાન સાથે મળી જાય છે એટલે કે આ પાણી જો પીવાના પાણીના કુવામાં જવતું હોય તો પણ આ બધા સૂક્ષ્મજીવો પીવાના પાણીમાં મળી જાય છે.

         ઝાડા-ઉલટીની સારવારની ઘણી રીતો છે, એમાંથી મેં વાપરેલી ત્રણ રીત જણાવીશ.

         🌿 ઝાડા ઉલટીની પ્રાથમિક સારવાર

       આ વાઇરસ પેહેલા તો પાચનતંત્રમાં રહેલો બધો ખોરાક બહાર કાઢે છે. અને સાથે સાથે પાણી પણ નીકળી જાય છે. 

         💧આથી દર્દીએ પહેલા તો બધા કામ-કાજ મૂકી થોડો આરામ કરવો, પાણી નીકળી જવાથી ચક્કર આવવાની કે પડી જવાનની શક્યતા રહે.

         💧એક વખત પેટ સાફ થઇ ગયા પછી, ૨ થી ૩ કલાક માં ધીમે ધીમે પાણી પીવું. એક ચમચો પાણી પી ને ૨૦ મિનિટ રાહ જોવી, જો એ પેટમાં ટકે તો ફરી એક ચમચો પાણી પીવું. પહેલું કામ છે પાચનતંત્રને શાંત કરવાનું. 

          💧એક વખત પાણી સ્થિર થાય પછી થોડું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યૂશન જેને ઓ. આર. એસ. કહે છે તે લેવું. 

         💧જો તે સોલ્યૂશન ના મળી શકે તો ઘરે પણ આ ઘોલ બનાવી શકાય. એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠું અને અડધી નાની ચમચી ખાંડ ઓગાળી ને.

         💧જ્યાં સુધી પાણી પેટમાં ન રહે ત્યાં સુધી બીજો કોઈ ખોરાક ના લેવો. પહેલી બે કલાક પાણી ને પેટમાં ટકાવવાની કોશિશ કરવી.

         💧પાણી રહે પછી, રોટલીનું કોરું શાક, સૂકી વઘારેલી - બહુ જ ઓછા તેલ માં હળદર અને જરા નિમક સાથે. એકદમ પાપડ જેવી શેકીને થોડી થોડી જેમ પેટમાં ટકે તેમ લઇ શકાય.

         💧જો ફરી ગરબડ જેવું લાગે તો, કલાક પાણી ઉપર રહી પેટને શાંત કરવું. એક વખત સૂકી રોટલી ટકે પછી એક-બે ચમચા ખીચડી -દહીં જીરા સાથે લઇ શકાય. બીજો બધો ખોરાક બીજા દિવસેથી એક પછી એક ચાલુ કરવો. 

         💧૩-૪ દિવસ પાચનશક્તિ પાર જોર પડે એવા ખોરાકથી દૂર રહેવું, જેવા કે દૂધ, કઠોળ, ચણાના લોટની વસ્તુઓ, વગેરે.

બે દિવસમાં આ બધા ઉપાયો કરવા છતાં ન ફરક પડે અથવા તાવ પણ ચાલુ થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.         

        🌿આયુર્વેદિક રીતે સારવાર:

વાયરલ ઇન્ફેક્શનથી થતા પેટના રોગ (સ્ટમક બગ) વિશે વાત કરીએ તો, તેને રોકવા કેટલીક અસરકારક રીતો છે.

1. સ્વચ્છતા જાળવવી

  • ખાવા-પીવાના પહેલા અને પછી હાથ ઘોવાં
  • અશુદ્ધ પાણી અને ગંદા ખોરાકથી દૂર રહેવું
  • ઘર અને રસોઈના સાધનો સ્વચ્છ રાખવા

2. ખોરાક અને પાણીનું ધ્યાન

  • તુલસી અથવા અજમાના પાણી – વાયરસ સામે લડવામાં સહાય કરે
  • સુંઠ અને મધ – પાચન સુધારવા અને પેટને શાંતિ આપવા
  • મીઠા-લીંબૂ પાણી – દેહમાં પાણી-ક્ષતિ અટકાવવા

3. આરામ અને પાચન સંભાળ

  • હળવો અને પાચન-સહજ ખોરાક ખાવું (ખીચડી, કેળું, દહીં)
  • જરુરી આરામ લેવો, તણાવ ઓછો રાખવો
  • શરીરમાં ઊર્જા પુરી કરવા હળવું આહાર

4. આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉપચાર

  • જીરું અને ગરમ પાણી – પેટ માટે ઉત્તમ
  • વસાનો લાવી (Bael fruit) – ડાયરીયા રોકે
  • તુલસી અને મરી પાઉડર – પ્રાકૃતિક રોગપ્રતિકારક પધ્ધતિ

        🌿આજકાલની રીતે સારવાર:

આજકાલ પેટના વાયરસની સારવારમાં બ્રાટ ડાયેટ પણ વપરાય છે.

         BRAT ડાયટ શું છે?

બ્રાટ ડાયેટ એ અમેરિકાની જૂની અને જાણીતી રીત છે, પેટના વાયરસની સારવાર માટે.

BRAT શબ્દ ચાર ખોરાકના નામથી બનેલ છે:

  • Banana (કેળું) – પાચન માટે સરળ અને પેટ શાંતિ રાખે

  • Rice (ભાત) – હળવાં કાર્બોહાઈડ્રેટ્સ, પાચન માટે ઉત્તમ

  • Apple sauce (સફરજનનો રસ) – વિટામિન્સ સાથે પેટ માટે હળવો

  • Toast (ટોસ્ટ) – વધુ તેલ વગર હલકી આહાર વસ્તુ

પેટની તકલીફ માટે કેમ કામ કરે છે?
આ ખોરાકો હળવા અને સરળતાથી પચી શકે એવા છે, જે ડાયરીયા અને ઉલટી પછી શરીરને ઊર્જા પુરી પાડે છે. તે પેટ પર ઓછું બોજું નાખે છે અને ધીમે ધીમે પાચન વ્યવસ્થા નોર્મલ કરવામાં મદદ કરે છે.

BRAT ડાયટ સાથે અન્ય સહાયકારક પધ્ધતિઓ

  • પૂરતું પાણી અને લીંબૂ પાણી સેવન—ડિહાઇડ્રેશન અટકાવવા

  • હળવા ખોરાક લેવા અને ધીમે ધીમે રેગ્યુલર ડાયટ પર પાછા આવવું

  • તડકા અને મસાલા વાળા ખોરાક ટાળવો

આમ જોઈએ તો આ બધી રીતો એક સરખી છે, બસ હળવા ખોરાકના ઉદાહરણો જુદા જુદા છે. 

જો તમને આ લેખ ગમ્યો હોય તો કૃપા કરીને 👇કોમેન્ટ કરો, કે સ્ટાર પર ક્લિક કરીને રેટિંગ આપો, ધન્યવાદ!

ગ્રહણ કાઢવું - માન્યતા, અંધશ્રદ્ધા કે વિજ્ઞાન?

ગ્રહણ - માન્યતા, અંધશ્રદ્ધા કે વિજ્ઞાન?


માન્યતા:

વરસો પહેલા વડીલો કે દાદા-દાદી કહેતા: ગ્રહણમાં બહાર ન નીકળાય, ગ્રહણ પૂરું થયા પછી નહાવું પડે અને ગ્રહણ પહેલાનું વધેલું ભોજન ફેંકી દેવાનું, વગેરે! 

અમુક પરિવારો તો એ બધું અનુસરતા પણ ખરા. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું તેમ તેમ આવી બધી માન્યતાઓ નાબૂદ થવા લાગી.

સમય જતા આ બધું ભૂલવા લાગ્યું: ભણેલા લોકો સમજીને બંધ કર્યું અને ન સમજાય તે લોકો એવું દેખાડવા (કે તે લોકો બહુ જ્ઞાની છે, આવી જૂની માન્યતાઓમાં નથી માનતા) બંધ કર્યું. 

ઉત્સુકતા:

ગયા વરસે જયારે અહીં અમેરિકામાં સૂર્યગ્રહણ હતું ત્યારે અમને લંચબ્રેકમા બહાર ન જવા અને જવું હોઈ તો મેનેજરની ઓફિસમાંથી ગ્રહણ માટેના ચશ્માં લઇને જવાનું કહેવામાં આવ્યું, ત્યારે વિચાર આવ્યો કે આવું કેમ?

 કંપનીઓએ ગ્રહણ માટે સ્પેશ્યલ ચશ્માં ઓર્ડર કર્યા હતા. જો ગ્રહણમાં કોઈ નુકસાન ન થતું હોય તો આટલી સાવચેતી અને ખરચ શા માટે?

મારો અભિપ્રાય આપતા પહેલા, ચાલો આપણે ગ્રહણ વિષે થોડું વધારે જાણીએ.

ગ્રહણ કેવી એટલે શું અને કેવી રીતે થાય 

જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક સીધી રેખામાં આવે છે. આને કારણે સૂર્યના પ્રકાશના રસ્તામાં અવરોધ ઉભો થાય છે.

એકંદરે ગ્રહણના બે મુખ્ય પ્રકાર છે:

  1. સૂર્યગ્રહણ (Solar Eclipse):
    સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. પરિણામે, ચંદ્ર સૂર્યપ્રકાશને પૃથ્વીની ઉપર પહોંચતાં રોકે છે. કેટલાક સમયે, ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે (પૂર્ણ સૂર્યગ્રહણ), જ્યારે કેટલાક સમયે તે ભાગતઃ ઢાંકી લે છે (ખંડગ્રહણ).

  2. ચંદ્રગ્રહણ (Lunar Eclipse):
    ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે.

ગ્રહણ સમય એ ત્રણે વસ્તુઓની (પૃથ્વી, ચંદ્ર, અને સૂર્ય) ચોક્કસ સ્થિતિ પર આધાર રાખે છે. આ ઘટના વૈજ્ઞાનિક અને જ્યોતિષીય બંને દૃષ્ટિકોણથી રસપ્રદ છે!

ગ્રહણ દરમિયાન સુરક્ષા અને તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ:

જ્યારે સૂર્યગ્રહણ થાય છે, ત્યારે સૂર્યની રોશનીનો મોટો ભાગ ચંદ્ર દ્વારા અવરોધવામાં આવે છે, અને આ સમયે સૂર્યની અતિ-ઉજળી કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે.

સૂર્યગ્રહણ દરમિયાન લેવામાં આવતી સલામતી:

  1. સરળ આંખોથી સૂર્ય જોઈ શકાય નહીં: સૂર્યગ્રહણ દરમ્યાન, નગ્ન આંખે અથવા સામાન્ય ચશ્માંથી જોવો અતિ ખતરનાક છે. ખાસ "સોલર ઈક્લિપ્સ ગ્લાસ" અથવા ISO-પ્રમાણિત ફિલ્ટર સાથે ટેલિસ્કોપ અથવા બેીનોક્યુલર વાપરવા જોઈએ.
  2. સૂર્યગ્રહણ દરમિયાન કેમેરા અથવા ફોનથી સીધું ફોટા ન પાડો: જો યોગ્ય સુરક્ષા ફિલ્ટર ન હોય, તો ફોન કે કેમેરા સેન્ટર સીધા સૂર્યને જોવાથી નુકસાન થઈ શકે.
  3. ચંદ્રગ્રહણમાં આવી કોઈ ખાસ સુરક્ષા ન હોય: ચંદ્રગ્રહણ નિહાળવું સંપૂર્ણપણે સલામત છે, કારણ કે તે માત્ર પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવાના પરિણામે થાય છે.

શા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે?

  • સૂર્યની અતિ-શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ (UV) અને ઈન્ફ્રારેડ (IR) કિરણો ને સીધા જોવાથી આંખના રેટિના પર સ્થાયી નુકસાન થઈ શકે છે, જેને “સોલર રેટિનેપેથી” કહેવામાં આવે છે.
  • સલામત રીતે જોવાની રીત: જો કોઈ વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા આયોજિત સીધું પ્રેક્ષણ આયોજન હોય, તો તે પ્રમાણિત ઉપકરણો દ્વારા જોવું શ્રેષ્ઠ રહે.
  • UV (અલ્ટ્રાવાયોલેટ) કિરણો ખોરાક અને કપડાંને કેવી રીતે અસર કરે? UV કિરણો સૂર્ય પ્રકાશમાં રહેલા ઊર્જાવાન કિરણો છે, જે જીવંત અને અજીવંત વસ્તુઓ પર વિવિધ પ્રભાવ મૂકી શકે છે.
  • ખોરાક પર અસરો:

    1. પોષક તત્ત્વોની હાનિ: UV કિરણોની અસરથી વિટામિન C અને B જેવા સંવેદનશીલ પોષક તત્ત્વો તોડી શકાય છે, જે ખોરાકની ગુણવત્તાને ઘટાડે છે.
    2. અક્સીજેશન (Oxidation): કેટલાક ખોરાક, જેમ કે દૂધ અને તેલ, UV કિરણોના સંપર્કમાં આવશે તો તેનો રોંગટા કે સ્વાદ બદલાઈ શકે છે.
    3. બેક્ટેરિયાને અસર: UV કિરણો કેટલીક બેક્ટેરિયાને નાશ કરી શકે છે, તેથી જ કેટલાક સ્થળે પાણી શુદ્ધ કરવા માટે UV લાઈટનો ઉપયોગ થાય છે. જે દહીં, દૂધ, છાશ વગેરેમાં રહેલા સારા બેક્ટેરિયાનો પણ વિનાશ કરે છે.

    કપડાં પર અસરો:

    1. રંગ ફીકી પડવાની સમસ્યા: UV કિરણો કેમિકલ ડાઈ સાથે પ્રતિક્રિયા કરે છે, જેના પરિણામે કપડાંના રંગ ધીમે ધીમે ફીકાં થઈ શકે છે.
    2. ફાઇબર નબળા થઈ શકે: UV કિરણો કપાસ અને નાયલોન જેવા ઉત્પાદનોને નબળા બનાવી શકે છે, જેના કારણે કપડાં ઝડપથી ફાટવા લાગે.
    3. ડ્રેપ અને ગ્લોઝ ઘટે: રેશમી અથવા પોલિયેસ્ટર જેવા ચમકદાર ફેબ્રિકનો ગ્લોઝ UV કિરણોના અસરોને કારણે ઓછો થઈ શકે.

    સુરક્ષા પગલાં:

    ✔️ ખોરાક UV-પ્રતિકારક પેકેજિંગમાં રાખો.
    ✔️ કપડાં UV-પ્રોટેક્ટિવ કે ફેબ્રિક-સેવિંગ ધોઈ ઘોવતી પદ્ધતિથી સંભાળો.
    ✔️ બહાર પહેરવાના કપડાં માટે UV-સંરક્ષણ કારક પદાર્થોથી બનાવેલા કાપડ પસંદ કરો.

    આ UV કિરણોના લાંબા ગાળાના અસરોને સમજીને આપણે આપણા ખોરાક અને કપડાં સુરક્ષિત રાખવા આવી જ્ઞાનપૂર્ણ સલામતી જરૂરી છે.

સમાપન - નિર્ણય:

એ બધી માન્યતાઓ કે રિવાજોને સૂર્યગ્રહણ માટે અનુસરવા જરૂરી છે, ખાસ કરીને જયારે તે ઉપરથી પસાર થતું હોય. 

ચંદ્રગ્રહણમાં આ સાવચેતી જરૂરી નથી!

આપણા વડીલોએ કારણ વગર કઈ ચાલુ નહોતું કર્યું. આને માન્યતાનું નામ આપવાનું કારણ એ હોઈ શકે કે સામાન્ય માણસોને એક સદી પહેલા આ બધું સમજાવવું સહેલું ન હતું, ત્યારે કોઈ સોસીયલ મીડિયા કે ઈન્ટરનેટ ન હતા. 

વળી દરેક વ્યક્તિ સુધી આ જ્ઞાન કે સંશોધનને પહોંચાડવું, એ માહિતી ગુમાવ્યા વગર શક્ય ન હતું.

આથી જો આ જ્ઞાન કે સંશોધનને, માન્યતા કે ધર્મનું નામ આપી દે એટલે બધા અનુસરે - એમ સમજી એને માન્યતા કે ધર્મના ભાગ તરીકે રજુ કર્યું.

કૃપા કરીને અભિપ્રાય આપો, આ લેખ કેવો લાગ્યો? નીચે કોમેન્ટ કરો કે લેખની જમણી બાજુમાં રહેલ સંપર્ક ફોર્મ વાપરો.


ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય